વિરમગામના પૂર્વ ધારાસભ્ય વજુભાઇ ડોડિયાનું નિધન
વિરમગામ વિધાનસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને વિસ્તારના જાણીતા સહકારી આગેવાન વજુભાઈ ડોડીયાનું ગત મોડી રાત્રે દુ:ખદ અવસાન થયું છે. ટૂંકી માંદગી બાદ તેમણે પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.
તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન લોકો માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું અને તેમની સાદગી તથા લોકસંપર્કને કારણે તેઓ વિસ્તારમાં ખૂબ લોકપ્રિય હતા. વિરમગામના વિકાસ માટે તેમણે કરેલા કાર્યોને આજે પણ લોકો યાદ કરી રહ્યા છે વજુભાઈ ડોડીયાના નિધનના સમાચાર મળતા જ ભારતીય જનતા પાર્ટી (BJP) ના અસંખ્ય કાર્યકર્તાઓ, સ્થાનિક નેતાઓ અને સહકારી ક્ષેત્રના આગેવાનો તેમના નિવાસસ્થાને દોડી ગયા હતા. સૌએ તેમના આકસ્મિક નિધન પર ગમગીની વ્યક્ત કરી હતી અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. પૂર્વ ધારાસભ્ય તરીકે વજુભાઈ ડોડીયાએ વિરમગામના રાજકીય અને સામાજિક જીવનમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમનો મોભાદાર સ્વભાવ અને લોકો પ્રત્યેની તેમની નિષ્ઠા હંમેશા યાદ રહેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સ્વર્ગસ્થ વજુભાઈ ડોડીયાની અંતિમયાત્રા આજે સવારે તેમના નિવાસસ્થાન ખાતેથી નીકળી હતી. જેમા મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, સહકારી આગેવાનો, રાજકીય નેતાઓ અને સ્થાનિક લોકો જોડાઈને તેમને અંતિમ વિદાય આપી હતી.
