વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય પીરઝાદા જૂથને કોર્ટનો ઝટકો; પંચાસિયા કિસાન સેવા સહકારી મંડળીની ચૂંટણી રદ
બહુમતી નહીં હોવા છતાં સભાસદોને જાણ કર્યા વિના સત્તા મેળવી લેતા ચૂંટણી રદ કરી ફરી યોજવા લવાદ કોર્ટમાં દાવો કર્યો’તો
વાંકાનેરના તત્કાલીન ધારાસભ્ય પીરજાદા જે મંડળી સાથે ગાઢ રીતે સંકળાયેલા છે તે પંચાસીયા ગામની કિસાન સેવા સહકારી મંડળીમાં કારોબારી સમિતિ ગેરકાયદે ચૂંટણી દ્વારા નિમાઇ હોવાના વિવાદમાં લવાદ કોર્ટ દ્વારા કિસાન સેવા સહકારી મંડળીની કારોબારી ચૂંટણી રદ કરીને કાયદેસરનું જાહેરનામું પ્રસિદ્ધ કરીને ચૂંટણી યોજવા જિલ્લા સહકારી રજિસ્ટ્રારને હુકમ કરતા આ મંડળીના પીરજાદા જૂથને ફટકો પડ્યો છે.
આ કેસની હકીકત એવી છે કે, કીશાન સેવા સહકારી મંડળી લી. પંચાસીયામાં વાંકાનેરના તત્કાલીન ધારાસભ્ય પીરઝાદા કારોબારી સમિતી સભ્ય છે અને અગાઉ આ મંડળીમાં પ્રમુખ તરીકે સેવા આપેલ છે. દરમિયાન આ મંડળીના યુનુસભાઇ મોહમ્મદભાઈ ખોરજીયા સહિતના સભાસદોએ કિશાન સેવા સહકારી મંડળી લી. પંચાસીયાની વ્ય. કમિટીના સભ્યોની મુદત સને - 2021માં પુર્ણ થયા બાદ યોગ્ય કાર્યવાહી વિના જ
ગેરકાયદે ચૂંટણી દ્વારા વાંકાનેરના તત્કાલીન ધારાસભ્ય પીરઝાદા પેનલ પાસે બહુમતી ન હોવાથી સતા પર ચીટકી રહેવા કોઈપણ સભાસદને જાણ કર્યા વગર બેઠાથાળે ચૂંટણી કરી કારોબારી સમિતિ બનાવી સતા મેળવી લીધી હોવા અંગે રાજય અને જિલ્લા સહકારી રજિસ્ટ્રાર સહિતની ઓથોરિટી સમક્ષ રજુઆતો કરી હતી.
તેમજ એડવોકેટ સતિષ આર.દેથલીયા મારફત દાવો દાખલ કરી સદરહું ચુંટણી રદ કરવા અને ફરીવાર ચૂંટણી કરવા માટેની અરજી આપેલ તેમાં લવાદ કોર્ટ દ્વારા વચગાળાના તબકકે રદ કરેલ અને તે પ્રકરણ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પહોંચેલ અને હાઈકોર્ટની સુચનાથી પુરાવા લઈને ફરી કાર્યવાહી કરવાનું લવાદ કોર્ટને જણાવ્યું હતું.
તેમાં વાદી અરજદાર તેમજ તેમના વકીલે સાક્ષી પુરાવાઓ લઈને ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થયેલ જ નથી, તેવું રેકર્ડ ઉપર લાવીને રજુઆત કરેલ હતી કે, મંડળીના હાલના હોદેદારોએ તેની પાસે બહુમતી ન હોવા છતાં મંડળીમાં પોતે ચીટકી રહે તેવા બદઈરાદાથી કોઈપણ સભાસદોને જાણ થયા વગર ગેરકાયદે ચુંટણી કરી નાખેલ છે, જે મંડળીના રેકર્ડ ઉપરથી સાબીત થાય છે. જેથી ચુંટણી રદ કરીને ફરીવાર ચુંટણી કરવી જોઈએ અન્યથા જે સભાસદો પાંચ વર્ષથી ચુંટણી લડવાની રાહ જોઈ રહેલ હોય તેનો કાયદાકીય હકક છીનવાઇ જાય છે અને લોકોનો સહકારી ક્ષેત્રમાંથી વિશ્વાસ ડગી જાય છે, તેનાથી સહકારી માળખુ જોખમમાં મુકાઈ જાય તેવું કૃત્ય કરેલ છે.
જે તમામ દલીલો ધ્યાને લઈને લવાદ કોર્ટના સિનિયર જજ જયકાંત દવે દ્વારા દાવા અરજીમાં તથ્ય હોવાનું ઠરાવીને પંચાસીયા કિસાન સેવા સહકારી મંડળીના કારોબારી સમિતી સભ્યોની ચુંટણી રદ કરીને જિલ્લા રજીસ્ટ્રાર, મોરબીને તે અન્વયે કાર્યવાહી કરવાની સુચના આપતો હુકમ ફરમાવ્યો છે. આ કામમાં મંડળીના સભાસદ વતી રાજકોટના એડવોકેટ સતિષ દેથલીયા, સુભાષ પટેલ, રેનિશ માકડીયા રોકાયા હતા.