પૂર્વ TPO સાગઠિયાની ડુપ્લીકેટ મિનિટ્સ બુક બનાવવાના કેસમાં જામીન અરજી રદ
ચકચારી ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડમાં સંડોવાયેલા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાની તપાસમાં તેણે અગ્નિકાંડ કેસમાંથી છટકવા બોગસ મિનિટ્સ બુક બનાવી હોવાનું ખુલતાં તેની સામે ક્રાઈમ બ્રાંચમાં ફોજદારી ગુનો નોંધાયો હતો. જે ગુનામાં સંડોવાયેલા પૂર્વ ટીપીઓ સાગઠીયાએ રાજકોટ કોર્ટમાં કરેલી જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાને આઠ દિવસ પૂર્વે જ અગ્નિકાંડ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે.
આ કેસની હકીકત મુજબ, રાજકોટમાં ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત નિપજતાં ગેઈમ ઝોન સંચાલકો અને મનપાના અધિકારીઓ સહિતના 16 જવાબદારો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં એક આરોપીનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે 15 આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરાયા હતાં. જેલ હવાલે થયેલા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાની તપાસમાં તેની પાસેથી અપ્રમાણસર મિલકત મળી આવતાં તેની સામે એસીબીમાં ફરિયાદ નોંધાઈ હતી. એટલું જ નહીં પરંતુ અગ્નિકાંડ કેસમાંથી છટકવા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાએ ડુપ્લીકેટ મિનિટ્સ બુક બનાવી હોવાનું ખુલતાં તેની સામે ક્રાઈમ બ્રાંચમાં આઈપીસી 465, 466,471 અને 474ની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. ડુપ્લીકેટ મિનિટ્સ બુક બનાવવાના કેસમાં સંડોવાયેલા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાએ રાજકોટ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલી જતાં કોર્ટે મનસુખ સાગઠીયાની જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાને આઠ દિવસ પૂર્વે જ અગ્નિકાંડ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે.