મોરબી જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખને 10 વર્ષની સજા
મોરબીમાં શિક્ષિકા સાથે શરીર સંબંધ બાંધી તેનો વિડીયો બનાવીને સગા સંબંધીઓને મોકલી તેના લગ્નમાં ભંગાણ પાડવાના કેસમાં કોર્ટે મોરબી જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખને કસૂરવાર ઠેરવી 10 વર્ષની સજા ફટકારી દાખલારૂૂપ ચુકાદો જાહેર કર્યો છે.
મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં એક પીડિત શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી વિજયભાઈ કેશવજીભાઈ સરડવા રહે. રવાપર રોડ, બોની પાર્ક, ધરતી ટાવર, મોરબીવાળા મોરબી જીલ્લા શિક્ષક સંઘના પ્રમુખ તરીકેનો હોદો ધરાવતા હોય, તા. 26/01/2017 થી તા. 28/02/2018 દરમિયાન મિત્રતા કેળવી ફોસલાવી પોતે પરણિત હોવા છતા પોતાની પત્ની સાથે છુટાછુડા કરી સાથે લગ્ન કરવાના ખોટા વાયદાઓ આપી રાજકોટ ખાતે ફલેટે લઈ જઈ અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો.
જે દરમિયાન તેઓએ બિભત્સ વિડીયો કલીપ ઉતારી સગા સંબંધીઓમાં બિભત્સ વિડીયોગ્રાફસ, ફોટોગ્રાફસ તથા વોટસએપ મેસેજ મોકલી સગાઈ તથા લગ્ન જીવનમાં ભંગાણ પડાવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદને આધારે મોરબી સિટી એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ મોરબીના અધિક સેશન્સ જજ સાહેબની ફાસ્ટ ટ્રેક સ્પેશીયલ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી વિજયભાઈ કેશવજીભાઈ સરડવાને કસૂરવાર ઠેરવી 10 વર્ષની સજા ફટકારી છે.
આ ઉપરાંત ભોગબનનારને રૂૂ.5 લાખ તથા આરોપી પાસેથી રૂૂ.20 હજાર દંડ પેટે મળી કુલ રૂૂ.5.20 લાખ વળતર મળી 10.20 લાખ ચૂકવવા હુકમ કરવામાં આવ્યો હતો.આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ એન.ડી.કારીયા રોકાયેલ હતા.
