For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પૂર્વ MLA ઇન્દ્રજીતસિંહનો ભાજપથી મોહભંગ, કોંગ્રેસમાં કમબેક

03:59 PM Dec 21, 2024 IST | Bhumika
પૂર્વ mla ઇન્દ્રજીતસિંહનો ભાજપથી મોહભંગ  કોંગ્રેસમાં કમબેક

Advertisement

ભાજપ દ્વારા ધમકી આપવામાં આવતા કેસરિયો ખેસ પહેર્યો: કોંગ્રેસના માંડવે પહોંચી કાઢયો નવો સૂર

મહુધાના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજિતસિંહ પરમારનો ભાજપ પ્રત્યે મોહભંગ થયો છે. એક વર્ષ પૂર્ણ થયુ છે, ત્યારે ઈન્દ્રજિતસિંહ પરમારે ભાજપને અલવિદા કરી પુન: કોંગ્રેસમાં જોડાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે જ પૂર્વ ધારાસભ્યની ઘરવાપસી થઈ છે. હજુ ઘણાં દિગ્ગજ નેતાઓ ભાજપનો કેસરી ખેસ ઉતારે તેવી સંભાવના છે.

Advertisement

લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના કેટલાંય નેતાઓએ પક્ષની વંડી ઠેકીને કમલમ તરફ દોટ માંડી હતી. તે વખતે મહુધાના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારે પણ સમર્થકો સાથે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. જો કે, ઘણાં ટૂંકા સમયમાં જ ઈન્દ્રજિતસિંહ પરમારનો ભાજપ પ્રત્યેનો મોહભંગ થયો હતો.

મહુધા-ડાકોર રોડ પર મિર્ઝાપુર ખાતે કોંગ્રેસનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સહપ્રભારી રામકિશન ઓઝા ઉપરાંત વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ ઈન્દ્રજિતસિંહ પરમારને ખેસ પહેરાવી કોંગ્રેસમાં આવકાર્યા હતાં. ઈન્દ્રજીતસિહ પરમારે જાહેરમાં એ વાતની કબૂલાત કરી હતી કે, ભાજપ દ્વારા ધમકી આપવામાં આવી હતી, જેના કારણે તે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. એટલું જ નહીં, તેમણે એમ કહ્યું કે, ભાજપમાં અમે મૂંઝવણ અનુભવી રહ્યા હતાં.

એક વર્ષના સમયગાળા દરમિયાન હું ભાજપ કે સરકાર કાર્યક્રમમાં ગયો નથી. ઉલ્લેખનીય છે કે ઇન્દ્રજીતસિંહ એક વર્ષ પહેલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા ત્યારે કોંગ્રેસને ભાંડવામાં કાંઇ બાકી રાખ્યુ ન હતું. હવે ઘરવાપસી સાથે જ તેમના સુર બદલાયા છે.

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમાર જ નહીં, હજુ ઘણાં નેતાઓ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા જોવાઈ રહી છે. આ કારણોસર ખેડા જિલ્લામાં પંચાયત-પાલિકાની ચૂંટણી પર તેનો પ્રભાવ પડશે તેવો કોંગ્રેસી નેતાઓને આશાવાદ છે.

ભાજપ સંગઠનમાં સ્થાન નહીં મળે તો અનેક પક્ષપલ્ટુઓ ઘરવાપસી કરશે?
ભાજપ દ્વારા સંગઠનની રચના ચાલી રહી છે અને તેમાં બે ટર્મથી ભાજપના સક્રીય સભ્ય હોય તેવા કાર્યકરોને જ હોદા આપવાના નિયમથી કોંગ્રેસ છોડી ભાજપમાં ‘મલાઇ’ તારવવા જોડાયેલા નેતાઓ- કાર્યકરોમાં અંદરખાને ફાળ પડી છે અને ફરી કોંગ્રેસ તરફ મોઢુ રાખીને બેઠા છે ત્યારે ભાજપ સંગઠનની નવ રચનામાં પક્ષપલ્ટુઓ કપાઇ જાય તો ફરી એક વખત અનેક નેતાઓ- કાર્યકરોની જાન વાજતે ગાજતે કોંગ્રેસના માંડવે પહોંચે તેવી શકયતા છે. સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણી પૂર્વે સંગઠનની રચનામાં પક્ષપલ્ટુઓ કપાઇ જાય તો ચુંટણીમાં પણ ભાજપને નડે તેવી શકયતા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement