પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકસભામાંથી દાવેદારી પરત ખેંચી
- વિધાનસભા ચૂંટણી સમયે પણ નહીં લડવાનો નિર્ણય જાહેર કર્યો હતો
ગુજરાત લોકસભાની 26 બેઠકમાંથી 15 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. કોઈ અસંતોષ કે નારાજગીનો માહોલ ઊભો થયો નથી. તો બીજી બાજુ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી પોતે મહેસાણા લોકસભા બેઠક માટે દાવેદારી પાછી ખેંચી લીધી છે. તેમણે સોશિયલ મીડિયામાં આ પોસ્ટ મુક્યા બાદ અનેક તર્કવિતર્કો જન્મ્યા છે.
મહેસાણા લોકસભાની બેઠક માટે ભાજપ તરફથી પોતાની ઉમેદવારી પરત ખેંચવા અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટમા જણાવી દીધુ છે કે, મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર મે ઉમેદવારી નોંધાવી હતી. ગઇકાલે રાજ્યની 15 લોકસભા સીટના ઉમેદવારો જાહેર કરવામાં આવેલ છે અને મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હજુ ચાલુ છે. તે પહેલા ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી હું પરત ખેંચુ છું અને નરેન્દ્રભાઇ મોદીજી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારતમાતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. સર્વે કાર્યકરો, સર્વે શુભેચ્છકો અને સર્વ સાથીદારોનો હું ખૂબ ખૂબ આભાર માનુ છું.અત્રે નોંધવું જરૂૂરી છે કે, પાટીદારોનો ગઢ ગણાતા મહેસાણા લોકસભા બેઠક માટે નીતિન પટેલ ઉપરાંત 35થી 40 લોકોએ પોતાની દાવેદારી નોંધાવી હોવાનું જાણવા મળે છે. નેતૃત્વ ઉમેદવારોની પસંદગીને લઈને અવઢવ અનુભવી રહ્યો છે અને પોતે હરીફાઈમાંથી ખસી જવાનું મુનાસીબ માન્યુ છે. ભાજપ નેતૃત્વના ઈશારા પછી જ પટેલે આ પગલું ભર્યું હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. અગાઉ 2022 વિધાનસભાની ચૂંટણી પૂર્વે ઉમેદવાર પ્રક્રિયા વખતે પણ નીતિન પટેલ પોતાની ચૂંટણી નહીં લડે તેવી પ્રતિક્રિયા આપીને ખસી ગયા હતા.
બિનસત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, રાજકોટની બેઠક માટે પુરુષોત્તમભાઈ રૂૂપાલાના નામની જાહેરાત કરવામાં આવી હતી અને આ કદાવર નેતા આગામી કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન પામે તો કડવા પાટીદાર નેતા તરીકે તેમનું નામ આગળ રહે છે. તો નીતિન પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી હોવાના દાવે ચૂંટણી જીતી ગયા પછી મંત્રી પદ માટે દાવેદારી કરી શકે છે તેવા સંજોગોમાં હાઈ કમાન્ડ દ્વારા બે કડવા પાટીદાર નેતાની પસંદગી બાબતમાં કોઈપણ પ્રકારની નારાજગી ઊભી ન થાય તેવા હેતુથી જ નીતિનભાઈ પટેલ પાસે ઉમેદવારી પરત ખેંચાવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. અગાઉ નીતિન પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદે આરુઢ થાય તેવા સંકેત હતા ત્યારે તેમને નાયબ મુખ્યમંત્રી બનાવી દેવાયા હતા. વિધાનસભાની ચૂંટણી વખતે પણ તેમણે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય જાહેર કર્યો હતો.આ વખતે દાવેદારી નોંધાવ્યા પછી તેમણે સોશિયલ મીડિયાના મારફતે ઉમેદવારી પરત ખેંચ્યાની જાહેરાત કરીને હાઇ કમાન્ડના નિર્ણયને માથે ચડાવ્યો હોવાની ચર્ચાએ વેગ પકડ્યુ છે.