કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઇનું પાર્ટીમાંથી રાજીનામુ
ગુજરાતમાં વિપક્ષ કોંગ્રેસની મુશ્કેલીઓનો અંત આવતો જણાતો નથી. ગુજરાતમાં ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના કદાવર નેતા રઘુ દેસાઈએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દેતા હડકંપ મચી જવા પામ્યો છે. પ્રદેશ કોંગ્રેસ સાથે છેડો ફાડનારા નેતાઓની યાદીમાં તેમનું નામ જોડાતાં પક્ષના સંગઠનમાં ખળભળાટ મચી ગયો છે.
કોંગ્રેસ નેતા રઘુ દેસાઈ લાંબા સમયથી પ્રદેશ કોંગ્રેસની કામગીરી અને સંગઠન માળખાથી નારાજ હતા. તેમની નારાજગીનું મુખ્ય કારણ તેમના વિશ્વાસુ અને સક્રિય સમર્થકોને પક્ષના સંગઠનમાં યોગ્ય સ્થાન ન મળવું હોવાનું જાણવા મળી રહ્યું છે. પક્ષમાં તેમની અવગણના થઈ રહી હોવાની લાગણી સાથે, તેમણે આખરે કોંગ્રેસ છોડવાનો કઠોર નિર્ણય લીધો છે. તેમણે સત્તાવાર રીતે પક્ષમાંથી પોતાનું રાજીનામું ધરી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, શું રઘુ દેસાઈ હવે અન્ય કોઈ પક્ષમાં જોડાશે કે પછી રાજકારણથી થોડા સમય માટે દૂર રહેશે, તે અંગેની સસ્પેન્સ હજુ પણ યથાવત છે.