પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના મોટાભાઇને પાંચ ચેક રિટર્ન કેસમાં એક-એક વર્ષની જેલ
ગુજરાત રાજ્યના પૂર્વ કેબીનેટ મંત્રી અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાના મોટાભાઇ જગદીશ ચાવડાએ સાણંદ ગામ તળની જમીન અન્યની માલિકીની હોવા છતાં જમીનનું ખોટું બાનાખત કરી રૂૂ.80 લાખ પડાવી લીધા હતા. જેની ચુકવણી પેટે આપેલા જુદા જુદા પાંચ ચેક પરત ફરતા કોર્ટે જગદીશ ચાવડાને એક-એક વર્ષની સજા અને છ માસમાં ફરિયાદીને રિટર્ન થયેલા ચેકની રકમ 9 ટકાના વ્યાજ સાથે ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજા ફરમાવતો હુકમ કર્યો છે.
ગુજરાત રાજ્યના પૂર્વ કેબીનેટ મંત્રી અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાના મોટાભાઇ જગદીશ ચાવડાએ સાણંદ ગામ તળની જમીન એક વર્ષમાં દસ્તાવેજ કરી આપવાની શરતે રૂૂ.80 લાખ ચેકથી લઇ વર્ષાબેન જયંતિભાઇ આહીરને વિશ્વાસમાં લઇ વેચી હતી. પરંતુ ચાર વર્ષ સુધી જમીનનો દસ્તાવેજ ન કરી આપતા જમીન ખરીદનારના પતિ જયંતિભાઈ આહીરએ સાણંદ મામલતદાર કચેરીમાં રેવન્યુ રેકોર્ડ ચેક કરતા જગદીશ પેથલજીભાઇ ચાવડાએ વેચેલી જમીન હકીકતમાં તેઓની માલિકીની ન હતી. અને અન્યની માલિકીની જમીનનું ખોટું બાનાખત કરી રૂૂ.80 લાખ પડાવી લીધા હતા. આ અંગે ફરિયાદીએ જગદીશ ચાવડાને રૂૂબરૂૂ મળી પોતાની સાથે થયેલ વિશ્વાસઘાતની વાત કરતા રૂૂ.50 લાખ ચેકથી પરત કરી દીધા હતા. જ્યારે બાકીના રૂૂ.29 લાખની રીવર્સ એન્ટ્રીઓ કરવા ફરિયાદીના પરિવારના સભ્યોના નામે જુદાજુદા પાંચ ચેક આપ્યા હતા. જે પાંચેય ચેક વગર વસુલાતે રિટર્ન થયા હતા.
આ અંગે જયંતિભાઇ હરસુરભાઇ આહીરે પાંચય ચેક રિટર્ન થયાની જગદીશ ચાવડા (રહે. શેલવ કોમ્પ્લેક્ષ, રાજપથ ક્લબ સામે, એસ.જી. હાઇવે, અમદાવાદ)ને કાયદાકીય નોટીસ આપી એડીશનલ ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ અમદાવાદમાં જુદી જુદી પાંચ ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી. જે કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા ન્યાયાધીશએ આરોપી જગદીશ પેથલજીભાઇ ચાવડાને કસૂરવાન ઠેરવી એક-એક વર્ષની સજા અને છ માસમાં ફરિયાદીને રિટર્ન થયેલા ચેકની રકમ 9 ટકાના વ્યાજ સાથે ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજા ફરમાવતો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી જયંતિભાઇ આહીર તરફે વકીલ રવિ વત્સલ દેસાઇ રોકાયા હતા.