ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નવો પક્ષ રચશે, વડોદરામાં 40 બેઠક લડવાની જાહેરાત
વડોદરામાં વાઘોડિયાના ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે નવો પક્ષ રચવાની જાહેરાત કરી છે. તેમણે કાલે વડોદરામાં ચૂંટણી અધિકારી સાથે મુલાકાત કરી હતી. તેઓ હવે આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સામે ઉમેદવારો ઉભા રાખશે. તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે, વડોદરા મહાનગર પાલિકામાં ભ્રષ્ટાચાર વધી ગયો છે અને વિકાસના કામો થતાં નથી.
નવો પક્ષ રચવાની જાહેરાત કરતાં શ્રીવાસ્તવે કહ્યું હતું કે, અમારા પક્ષમાં તમામ જાતિના લોકો હશે. જેમાં ભાજપ અને કોંગ્રેસના લોકો નહીં હોય. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં સારૂૂ કામ કરનારા ઉમેદવારોને ટીકિટ આપીશું. અમારા ઉમેદવારો જીતશે તો શહેર, જિલ્લો અને તાલુકાનો સારો વિકાસ કરીશું. આજે વડોદરા મહાનગર પાલિકામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. સરકાર કશું જ નથી કરતી. જેથી યુવાનો આગળ આવીને સાચા રસ્તે ચાલે તેવો પ્રયાસ કરવો છે.વડોદરાની આગામી ચૂંટણીમાં 40 જેટલા ઉમેદવારોને ઉભા રાખીશું. ચૂંટાઈને બીજી પાર્ટીમાં જતા રહે એવા લોકોને તક નહીં આપીએ. માત્ર સાચા અને નિષ્ઠા ધરાવતા લોકોને જ અમે ચૂંટણીમાં ટીકિટ આપીશું. મધુ શ્રીવાસ્તવ ભાજપમાંથી સતત 6 જેટલી ટર્મ સુધી વાઘોડિયાના ધારાસભ્ય રહ્યા હતાં. ગત ચૂંટણીમાં તેમને ટીકિટ નહીં મળતાં તેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું.