રસ્તાની ગુણવત્તા ચકાસવા પાંચ લોકોની ટીમ બનાવો: વેકરિયા
ગામ લોકોને કામના એસ્ટીમેન્ટ પણ તપાસવા મંત્રીનું સૂચન
રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરીયા અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં વિવિધ રોડ રસ્તાના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી રહ્યા છે. આ કાર્યક્રમો દરમિયાન, મંત્રી સ્થાનિકોને વિકાસ કાર્યોમાં નબળી ગુણવત્તાવાળા કામો ન થાય તે માટે જાગૃત રહેવા અપીલ કરી રહ્યા છે. કુકાવાવના ખજુરી ગામેથી મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ કોન્ટ્રાક્ટર નબળું કામ કરે તો અમારૂૂ ધ્યાન દોરો અને તમારા ગામમાં વિકાસના કામોની ગુણવત્તા ચકાસવા પાંચ લોકોની ટીમ બનાવીને ધ્યાન રાખો.
મંત્રી કૌશિક વેકરીયાએ કુકાવાવ તાલુકાના ખજુરી ગામે સુવિધા પથ યોજના હેઠળ બે માર્ગોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આમાં પ્રાથમિક શાળાથી મેઘા પીપળીયા રોડ અને ખજુરી પ્રાથમિક શાળાથી રણુજા ધામ તરફના રસ્તાનો સમાવેશ થાય છે.
મંત્રી વેકરીયાએ વધુમાં જણાવ્યું કે, આ રસ્તાઓ ડબલ પટ્ટીવાળા બનશે અને વિકાસના કામો અંગે ચિંતા કરવાની જરૂૂર નથી, કારણ કે સરકાર ઉદાર હાથે વિકાસ કરી રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ વિકાસ કાર્યોમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન કરવા સૂચના આપી છે. જો કોઈ કોન્ટ્રાક્ટર નબળું કામ કરે તો તે તુરંત તેમના ધ્યાને લાવવા અપીલ કરી હતી.
તેમણે ગામલોકોને પાંચ વ્યક્તિઓની ટીમ બનાવવાનું સૂચન કર્યું હતું. આ ટીમે કામના એસ્ટીમેટ (અંદાજપત્ર) તપાસવા જોઈએ, જેમાં કપચી, સિમેન્ટ અને રેતીના પ્રમાણ જેવી વિગતોનો સમાવેશ થાય છે. આમ કરવાથી 100% ગુણવત્તાવાળા કામો સુનિશ્ચિત થશે. મંત્રીએ ભાર મૂક્યો કે વિકાસના કાર્યોમાં સારી ગુણવત્તા જાળવવા માટે સરકાર અને જનતાએ સાથે મળીને કામ કરવું પડશે.