લાલવાડી વિસ્તારમાં વનકવચનું લોકાર્પણ: 25 લાખના ખર્ચે બન્યું અર્બન ફોરેસ્ટ
મિયાવાકી પદ્ધતિથી 1 હેક્ટરમાં 10,000 વૃક્ષોનું વાવેતર: મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે વનકવચ ખુલ્લું મુકાયું
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે આજરોજ જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં આવેલા સિલ્વર સ્કાઈ રોડ પર નવનિર્મિત વનકવચનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આશરે 25 લાખ રૂૂપિયાના અંદાજીત ખર્ચે તૈયાર થયેલા આ વનકવચમાં જાપાની વનસ્પતિ શાસ્ત્રી અકીરા મીયાવાકીની અનોખી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 1 હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં 38 જુદા જુદા પ્રકારના કુલ 10,000 રોપાઓનું ઘનિષ્ટ વાવેતર કરવામાં આવ્યું છે. લોકાર્પણ સમારોહ દરમિયાન મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
વર્ષ 2023-24માં જામનગર શહેરમાં, જામનગર - કાલાવડ રોડ પર સ્થિત જાડા ટી.પી.સ્કિમ નં. 84માં, ગુજરાત વન વિભાગ અને જામનગર મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે આ 1 હેક્ટર વિસ્તારમાં વનકવચનું નિર્માણ થયું છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય માત્ર હરિયાળી વધારવાનો નથી, પરંતુ લોકોમાં વન અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને અભિરૂૂચી કેળવવાનો પણ છે.
અહીં જમીનમાં કુલ સાત સ્તરો બનાવીને વાવેતર કરાયું છે, જેમાં ક્રમશ: કોકોપીટ, માટી, ઘઉંની ફોતરી, વર્મી કમ્પોસ્ટ, માટી અને ઘાંસ-બાજરીના પુળાના મલ્ચીંગનો સમાવેશ થાય છે. આ સ્તરોમાં નિમ્નસ્તર, મધ્યમસ્તર અને ઉચ્ચસ્તરના 38 જાતના કુલ 10,000 રોપાઓનું 1સ1 મીટરના અંતરે ઘનિષ્ટ વાવેતર કરાયું છે. મિયાવાકી પદ્ધતિના કારણે વૃક્ષોની વૃદ્ધિ ખૂબ જ ઝડપથી થઈ છે અને માત્ર 20 માસના ટૂંકા ગાળામાં જ તેમની ઉંચાઈ લગભગ 10 થી 15 ફૂટ જેટલી થઈ ગઈ છે.
આ વનકવચમાં મુલાકાતીઓ માટે અનેક સુવિધાઓ પણ વિકસાવવામાં આવી છે. નાના બાળકો માટે રમવા માટે બાલ ક્રિડાંગણ બનાવાયું છે. વનની ફરતે આહલાદક પાથ-વે તૈયાર કરાયો છે, જેના પર ચાલીને મુલાકાતીઓ પ્રકૃતિનો આનંદ માણી શકે છે. આરામ કરવા માટે વનકુટિરનું નિર્માણ થયું છે, જેમાં બેસવા માટે બાંકડા ગોઠવવામાં આવ્યા છે, અને યાદગીરી માટે સુંદર સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવ્યો છે.
આ લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રી મુળુભાઈ બેરા સાથે ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુનિટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન. મોદી, અગ્રણીઓ વિનોદભાઈ ભંડેરી અને બીનાબેન કોઠારી, ચીફ ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ ડો. રામ રતન નાલા, નાયબ વન સંરક્ષક અરુણકુમાર, રેન્જ ફોરેસ્ટ ઓફિસરો હર્ષાબેન પંપાણીયા અને દક્ષાબેન વઘાસીયા, વન વિભાગના અન્ય અધિકારીઓ, કોર્પોરેટરો અને શહેરના અગ્રણી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વનકવચ શહેરની હરિયાળીમાં વધારો કરવા સાથે પ્રકૃતિ પ્રેમીઓ માટે એક નવું આકર્ષણ બનશે.