જાફરાબાદના દુધાળા ગામ પાસે હાઈવે પર વનરાજાના આંટાફેરા
અમરેલી જિલ્લામાં વન્યજીવોની અવરજવર વધતી જાય છે. તાજેતરમાં વહેલી સવારે ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર જાફરાબાદ તાલુકાના દુધાળા ગામ નજીક આવેલા બ્રિજ પર એક ડાલમથ્થો સિંહ જોવા મળ્યો હતો. સવારના સમયે હાઇવે પર સિંહની હાજરી જોઈને વાહનચાલકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. લગભગ 15 મિનિટ સુધી સિંહ બ્રિજ પર લટાર મારતો રહ્યો, જેના કારણે બંને તરફના વાહનો થંભી ગયા હતા. વાહનચાલકોએ સલામત અંતરેથી સિંહના દર્શન કર્યા અને વીડિયો પણ ઉતાર્યા, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.આ ઘટના દરમિયાન સિંહે કોઈ આક્રમક વર્તન નહોતું કર્યું અને શાંતિથી પોતાની રીતે વિહાર કરતો રહ્યો.
જોકે, આ ઘટના ચિંતાજનક છે કારણ કે ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર વારંવાર સિંહોની અવરજવર જોવા મળી રહી છે. ભૂતકાળમાં અજાણ્યા વાહનોની હડફેટે આવી અનેક સિંહોના મૃત્યુ થયા છે. વન્યજીવ પ્રેમીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે આ હાઇવે સિંહો માટે જોખમી બની રહ્યો છે. તેમની માંગ છે કે વન વિભાગ અને સંબંધિત અધિકારીઓ આ મુદ્દે યોગ્ય પગલાં લે જેથી આપણા રાષ્ટ્રીય ગૌરવ સમાન આ સિંહોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.