સિંહબાળ સાથે બિલાડીના બચ્ચા જેવા વ્યવહારના ફોટા-વીડિયો વાયરલ થતાં વન વિભાગની દોડધામ
સિંહબાળને ગેરકાયદેસર રીતે પકડીને તેની પજવણી કરવાનું પ્રાથમિક અનુમાન
ગીર પૂર્વના ધારી અને આસપાસના વિસ્તારમાં સિંહોનું નિવાસસ્થાન છે, અને અહીં જંગલી પ્રાણીઓ સાથે ગેરકાયદેસર વ્યવહારના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે. તાજેતરમાં સિંહબાળ સાથે બિલાડીના બચ્ચા જેવો વ્યવહાર કરતો એક વિડિયો અને કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વનવિભાગ (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ) માં ભારે દોડધામ મચી ગઈ છે.
અમિત નાડ નામની સોશિયલ મીડિયા આઈડી પર એક વ્યક્તિના સિંહબાળ સાથેના સેલ્ફી ફોટા વાયરલ થયા હતા. આ ફોટામાં એક સિંહબાળને વ્યક્તિએ ખભા પર બેસાડ્યું હોય તેવું પણ દેખાય છે. પ્રાથમિક અનુમાન મુજબ, આ ઘટના ધારી વિસ્તારની કોઈ નર્સરી કે વાડી વિસ્તારમાં પાર્ટી દરમિયાન બની હોવાની શંકા છે, જ્યાં સિંહબાળને ગેરકાયદેસર રીતે પકડીને તેની પજવણી કરવામાં આવી હતી.
વનવિભાગ દ્વારા તપાસ શરૂૂ કરવામાં આવી છે કે વાયરલ થયેલા ફોટા અને વિડીયો અસલ છે કે ટેક્નોલોજીથી બનાવેલા (એઆઇ જનરેટેડ) છે. તપાસના અંતે વનવિભાગે દાવો કર્યો છે કે સિંહબાળને ખભા પર બેસાડવામાં આવ્યું હોય તેવો ફોટો સંભવત એઆઇ જનરેટેડ હોઈ શકે છે. જોકે, તેના ઈન્સ્ટાગ્રામ સ્ટેટ્સમાં વાયરલ થયેલા એક વિડીયોમાં વ્યક્તિનો હાથ સ્પષ્ટપણે દેખાય છે અને તેમાં સિંહબાળને કબ્જામાં રાખીને પજવણી કરવામાં આવી રહી હોય તેવું સ્પષ્ટ દેખાય છે.આ સમગ્ર મામલામાં જે વ્યક્તિનું નામ સામે આવ્યું છે તે અમિત નાડ અગાઉ વનવિભાગનો રોજમદાર કર્મચારી રહી ચૂક્યો છે.
આ સંજોગોમાં, વન્યજીવ સંરક્ષણ કાયદાની જાણકારી હોવા છતાં આવું કૃત્ય થયું હોવાની ગંભીરતા વધી જાય છે. સિંહબાળને કબ્જામાં રાખવું, પકડવું, સેલ્ફી લેવી કે તેની પજવણી કરવી એ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ (વન્યજીવ સંરક્ષણ અધિનિયમ) હેઠળ એક ગંભીર ગુન્હો બને છે. ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા હવે આ અમિત નાડ નામના શખ્સની વિડીયો અંગે પૂછપરછ કરવામાં આવશે અને વિડીયોની તથ્યતાના આધારે કાયદા મુજબની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.