મુળીના કુંતલપુર ગામે મંદિરે પ્રસાદ લીધા બાદ 40 બાળકોને ફૂડ પોઈઝનિંગ
મુળી તાલુકાના કુંતલપુર ગામે આવેલ કાત્રોડી માતાજીના મંદિરે સોમવારે પ્રસાદી હોઈ શાળાના બાળકોને જમવા લઈ જવાયા હતા. જેમાં 40થી વધુ બાળકોને પ્રસાદ લીધા બાદ ઉલ્ટી થતા તેઓને સારવાર માટે 108 દ્વારા મૂળી સરકારી હોસ્પિટલ લઈ જવાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ફુડ પોઈઝનીંગના બનાવ અવારનવાર સામે આવે છે. થોડા દિવસ પહેલા જ વઢવાણ તાલુકાના દેદાદરા ગામે પેંડા ખાવાથી 40થી વધુ લોકોને ફુડ પોઈઝનીંગની અસર થઈ હતી. ત્યારે મુળી ગ્રામ્યમાં આવો બનાવ સોમવારે સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ મુળી તાલુકાના કુંતલપુર ગામે કાત્રોડી માતાજીનું મંદિર આવેલુ છે. મંદિરમાં સોમવારે પ્રસાદી હોઈ શાળાના બાળકોને ત્યાં પ્રસાદી લેવા લઈ જવાયા હતા. જેમાં પુરી-શાક, દાળ-ભાત અને છુટી બુંદીની પ્રસાદી લીધા બાદ 40થી વધુ બાળકોને ફુડ પોઈઝનીંગની અસર થતા ઉલ્ટીઓ થવા લાગી હતી. આથી કુંતલપુર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 108 દ્વારા બાળકોને સારવાર માટે મુળી સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા છે. આ અંગે મુળી તાલુકા હેલ્થ ઓફીસર ડો. દર્શન પટેલે જણાવ્યુ કે, કુંતલપુર સીએચઓ દ્વારા 40થી વધુ બાળકોને સારવાર માટે લવાયા હતા. હાલ બાળકો સ્વસ્થ છે. અને પ્રસાદીના નમુના આરોગ્ય વિભાગ દ્વારા લેવાયા છે.