યાંત્રિક રાઇડ્સ વગર જ યોજાશે લોકમેળો, કલેકટરે કહ્યું હવે સમય નથી
એકપણ ફોર્મ નહીં ભરાતા મોટા પ્લોટ માટે મુદત નહીં લંબાવાય, નાની રાઇડસ માટે પાંચ દિવસનો સમય વધારાશે
મોટા પ્લોટમાં સાંસ્કૃતિક-મનોરંજક કાર્યક્રમો યોજવા વિચારણા, રિવાઇઝડ પ્લાન બની ગયા બાદ કોઇને તક નહીં
રાજકોટમાં આગામી જન્માષ્ટમીના તહેવાર દરમિયાન યોજાનાર પાંચ દિવસના લોકમેળામાં સરકારી ગાઇડલાઇનના વિવાદ વચ્ચે આજે ફજેતફાળકા, ચકરડી જેવી મોટી રાઇડસ માટે દરવાજા બંધ થઇ ગયા છે. આજે રાઇડસના પ્લોટના ફોર્મ ઉપાડવા માટેનો છેલ્લો દિવસ હતો ત્યારે યાંત્રીક રાઇડસના એકપણ ધંધાર્થીઓએ ફોર્મ નહીં ઉપાડતા જિલ્લા કલેકટર ઓમપ્રકાશે હવે મોટી રાઇડસના પ્લોટ માટે મુદત નહીં વધારવાની જાહેરાત કરી નાની યાંત્રીક રાઇડસના ધંધાર્થીઓ માટે પાંચેેક દિવસની મુદત વધારવા જણાવ્યું હતું.
જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, હવે લોકમેળાના આયોજન માટે સમય ટુંકો છે અને યાંત્રીક રાઇડસ માટે સરકારી ગાઇડલાઇનમાં ફેરફાર કરવો શકય નથી તેથી મોટી રાઇડસ વગર જ મેળો યોજવા નિર્ણય લેવાયો છે.
હવે લોકમેળામાં નાની રાઇડસ અને નાના ધંધાર્થીઓને મેળામાં સ્ટોલ તથા પ્લોટ ફાળવવા પ્રાયોરિટી અપાશે.
આ ઉપરાંત લોકમેળામાં પ્લાન બી અંતર્ગત મોટી યાંત્રીક રાઇડસના પ્લોટોના સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ અન્ય મનોરંજક કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવશે. હવે ટુંક સમયમાં જ લોકમેળાના ગ્રાઉન્ડનો પ્લાન પણ તૈયાર કરી લેવામાં આવશે.
કલેક્ટરએ સ્પષ્ટ જણાવ્યું કે, જો રાઈડ સંચાલકો આવતીકાલ સુધીમાં તેમના ભરાયેલા ફોર્મ સબમિટ નહીં કરાવે, તો તેઓને લોકમેળામાં પ્રવેશ મળશે નહીં. એકવાર રિવાઇઝ્ડ પ્લાન બની ગયા બાદ રાઈડ સંચાલકોને કોઈ પણ તક આપવામાં આવશે નહીં. બીજી તરફ, લોકમેળાનો પ્લાન રિવાઇઝ કરવાની કામગીરી માટે અધિકારીઓને કામે લગાડી દેવામાં આવ્યા છે.
હાલમાં માત્ર 25 જેટલા વેપારીઓએ જ સ્ટોલ માટે ફોર્મ ભરીને સબમિટ કરાવ્યા છે. આ સંજોગોમાં, વહીવટી તંત્ર દ્વારા નાની રાઈડના સંચાલકોને પણ આમંત્રિત કરાશે. જે લોકોએ સ્ટોલ માટે ફોર્મ ભર્યા નથી તેમજ નાની રાઈડના સંચાલકો માટે હજી પાંચ દિવસનો સમય આપવામાં આવશે. જો આ પાંચ દિવસમાં પણ અન્ય સ્ટોલધારકો કે વેપારીઓના ફોર્મ ભરાઈને પરત નહીં આવે, તો ત્યારબાદ શું નિર્ણય કરવો તે નક્કી કરવામાં આવશે તેમ કલેક્ટરે જણાવ્યું હતું.
રાઇડસ સંચાલકોને મુખ્યમંત્રીનું તેડું, બેઠક તરફ સૌની નજર
રાજકોટના લોકમેળામાં ગાઇડ લાઇનનો વિવાદ સર્જાતા આજે રાઈડ સંચાલકોને મુખ્યમંત્રી દ્વારા બોલાવવામાં આવ્યા છે અને તેમની સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે આ બેઠકમાં શું નિર્ણય કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. બીજી બાજુ, આજે ફોર્મ ઉપાડવાનો છેલ્લો દિવસ છે અને કલેક્ટરે પણ જણાવી દીધું છે કે આજે કોઈ પણ રાઈડ સંચાલકો ફોર્મ નહીં ઉપાડે, તો તેઓને કોઈ પણ સ્થિતિમાં હવે મોકો આપવામાં આવશે નહીં. ત્યારે મુખ્યમંત્રી સાથેની બેઠકમાં રાઇડસ માટેની ગાઇડલાઇનમાં બાંધછોડ કરવામાં આવે છે કે કેમ? તે જોવાનું રહ્યું.