ઊડે ઊડે રે....અબીલ-ગુલાલ, તમે રંગે રમજો રાજ
રાજકોટ વાસીઓએ ગઈકાલે રંગોના પર્વ ધુળેટીની ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. બાળકોથી માંડી વૃદ્ધો રંગે રમ્યા હતા ખાસ કરીને રેસકોર્સ રિંગ રોડ સહિતના મુખ્ય માર્ગો ઉપર યુવા હૈયાઓએ મન મુકીને રંગોત્સવ માણ્યો હતો. યુવાનો અને યુવતિઓ બળબળતી બપોરે પણ રંગ ઉડાવવા નિકળી પડ્યા હતા. રોડ ઉપર જે હાથમાં આવ્યા તેને રંગી નાખવામાં આવ્યા હતા. શેરીઓ-ગલીઓમાં પણ લોકોએ ભારે હોશભેર ધુળેટીનું પર્વ ઉજવ્યું હતું જ્યારે શહેરની ભાગોળે આવેલા ફાર્મહાઉસો તેમજ કેટલાક પાર્ટીપ્લોટોમાં પણ નાચ-ગાન સાથે હોળીની ઉજવણીના આયોજનો થયા હતાં. ધૂળેટીના પર્વ નિમિતે રેસકોર્સમાં દર વર્ષે ઘેરૈયાઓ ગ્રાઉન્ડ બગાડી નાખતા હોવાથી આ વર્ષે કોર્પોરેશને બાલભવન નજીકના ગ્રાઉન્ડમાં રંગે રમવાની મનાઈ ફરમાવી હોવાથી રેસકોર્સ રિંગરોડ ઉપર કલરના થર જામી ગયા હતા જેની આજે સવારથી સફાઈ શરૂ કરાઈ હતી. (તસવીર: મુકેશ રાઠોડ)