આજે રાજકોટ-જામનગર સહિત સહિત આ શહેરોની ફ્લાઈટ્સ રદ, જાણો શા માટે લેવાયો આ નિર્ણય
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઔપચારિક યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો હોવા છતાં, તણાવની સ્થિતિ હજુ પણ યથાવત છે. સોમવારે રાત્રે પંજાબ સહિત ઘણા સરહદી વિસ્તારોમાં ડ્રોન જોવા મળ્યાના અહેવાલો આવ્યા હતા, જેના પછી ઘણા શહેરોમાં બ્લેકઆઉટ લાગુ કરવો પડ્યો હતો. ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ આઠ મોટા શહેરોની ફ્લાઇટ્સ રદ કરી છે. જેમાં શ્રીનગર, જમ્મુ, અમૃતસર, ચંદીગઢ અને ત્રણ અન્ય શહેરોનો સમાવેશ થાય છે.
એર ઇન્ડિયાએ જમ્મુ, લેહ, જોધપુર, અમૃતસર, ભૂજ, જામનગર, ચંદીગઢ, રાજકોટની બે-માર્ગી ફ્લાઇટ કામગીરી રદ કરી છે. જયારે ઇન્ડિગોએ જમ્મુ, અમૃતસર, ચંદીગઢ, લેહ, શ્રીનગર અને રાજકોટની ફ્લાઇટ્સ રદ કરી છે. ઉડ્ડયન કંપનીએ સોમવારે રાત્રે 11:38 વાગ્યે 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ', સરહદી વિસ્તારોની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને તમારી સલામતીને અમારી ટોચની પ્રાથમિકતા માનીને, જમ્મુ, અમૃતસર, ચંદીગઢ, લેહ, શ્રીનગર અને રાજકોટ જતી ફ્લાઇટ્સ 13 મે, 2025 સુધી રદ કરવામાં આવી છે. એરલાઇને એમ પણ કહ્યું કે તેની ટીમ પરિસ્થિતિ પર સક્રિયપણે નજર રાખી રહી છે.
કંપનીએ તેની ટ્રાવેલ એડવાઈઝરીમાં કહ્યું છે કે, આ નિર્ણય લોકોના ટ્રાવેલ પ્લાનને બગાડશે અને તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ અને મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય જરૂરી છે. ઇન્ડિગોએ તેના મુસાફરોને એરપોર્ટ જતા પહેલા કંપનીની વેબસાઇટ અથવા એપ્લિકેશન પર તેમની ફ્લાઇટ સ્ટેટસ તપાસતા રહેવા જણાવ્યું છે. જેથી તેઓ કોઈ કારણ વગર મુશ્કેલીમાં મુકાવાથી બચી શકે. કંપનીએ કહ્યું કે, તેમની સુરક્ષા ટીમ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. કંપની ભવિષ્યમાં શું પગલાં લેવામાં આવશે તે અંગે તેના મુસાફરોને અપડેટ્સ આપતી રહેશે.
નોંધનીય છે કે પાકિસ્તાન સાથે સંઘર્ષના કારણે બંધ કરવામાં આવેલા કુલ 32 એરપોર્ટ ફરીથી મુસાફરો માટે ખોલી દેવામાં આવ્યા છે.