દિલ્હીથી દુબઈ જતી ફ્લાઈટોનું સ્ટોપ ઓવર રાજકોટ કરાયું
પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ 24 કલાક ખુલ્લું રાખવા સુચના
દિલ્હીથી દૂબઈ જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું સ્ટોપ ઓવર કરાચી હોય અને હાલની વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ આ સ્ટોપ ઓવર રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે કરવામાં આવતા રાજકોટનું હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 24 કલાક માટે ઈમરજન્સીમાં ચાલુ રાખવા આદેશ આપવામાં આવ્યા છે. અને હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જે 9 વાગ્યે બંધ થઈ જતું હતું તે હવે આજથી 24 કલાક માટે કાર્યરત રહેશે.
કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટના બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તનાવભર્યો માહોલ જોવા મળ્યો છે. સરકાર દ્વારા પાકિસ્તાન ઉપર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે અને ભારતમાં પાકિસ્તાનનું દુતાવાર બંધ કરવામાં આવ્યું છે. સામે પાકિસ્તાન દ્વારા પણ ભારતની ફ્લાઈટો માટે એવીએશન બંધ કરવામાં આવ્યું છે. ત્યારે હાલની વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ વિદેશ મંત્રાલય અને ઉડયન મંત્રાલય દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે. જેમાં દિલ્હીથી દૂબઈ અને દૂબઈથી દિલ્હી આવાગમન કરતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું અત્યાર સુધીનું સ્ટોપ ઓવર કરાચી ખાતેનું રાખવામાં આવ્યું હોય તેને હવે રદ કરી આ સ્ટોપ ઓવર રાજકોટ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોટને જાહેર કરવામાં આવ્યું છે.
આ મામલે એવિએશન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધી દિલ્હીથી દુબઈ ઉડાન ભરતી અને દુબઈથી દિલ્હી આવતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં કોઈ ઈમરજન્સી ઉભી થાય અથવા તો ફ્યુલ બાબતની કોઈ સમસ્યા સર્જાય તો બન્ને દેશો વચ્ચે નક્કી કરાયેલા કરાર મુજબ દિલ્હીથી દુબઈની આ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું કરાચીમાં ઈમરજન્સી સ્ટોપ આપવામાં આવતો હતો અને બન્ને દેશો વચ્ચે આ બાબતે જરૂરી નિયમો સાથે કરાર થયા હતાં. પરંતુ હાલની સ્થિતિ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ જ્યારે ભારત અને પાકિસ્તાન એક બીજા ઉપર કેટલાક નિયંત્રણો લગાડવામાં આવ્યા છે. ત્યારે હવે દિલ્હીથી દૂબઈ જતી આ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું સ્ટોપ ઓવર ક્યાં આપવું તે બાબતની ચર્ચા બાદ વિદેશ મંત્રાલય અને ભારતીય નાગરિક ઉડયન મંત્રાલય દ્વારા ચર્ચા કર્યા બાદ આ આંતરાષ્ટ્રીય ફ્લાઈટનું સ્ટોપ ઓવર એટલે કે ઈમરજન્સી ઉતરાણ રાજકોટ હિરાસર આંતરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને રાજકોટ હિરાસર આંતરાષ્ટ્રીય એરપોર્ટના જવાબદાર અધિકારીઓને જરૂરી સુચના આપવામાં આવી છે.
સરકાર દ્વારા દિલ્હી-દુબઈની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું સ્ટોપ ઓવર કરાચીથી ખસેડી રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે કરવામાં આવ્યા બાદ આજથી રાજકોટ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટને 24 કલાક માટે ખુલ્લુ રાખવા સુચના આપવામાં આવી છે. રાજકોટ હિરાસર એરપોર્ટ ઉપરથી આવાગમન કરતી ફ્લાઈટો મોટાભાગે રાત્રે 8 વાગ્યા બાદ આવાગમન નહીં કરતા અરેપોર્ટ રાત્રે 9 વાગ્યે બંધ કરી દેવામાં આવતું હતું પરંતુ આજથી રાજકોટનું હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 24 કલાક માટે ખુલ્લુ રાખવામાં આવશ.ે જેને લઈને એરપોર્ટ ઓથોરીટી અને સુરક્ષા વિભાગના અધિકારીઓને જરૂરી સ્ટાફને રાત્રી દરમિયાન પણ ફરજ ઉપર તૈનાત રહેવા સુચના આપવામાં આવી છે. અને રાજકોટ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર સુરક્ષા વિભાગ અને એટીસીનોસ્ટાફ તેમજ ગ્રાઉન્ડ સ્ટાફને વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. અને આ સ્ટાફને આખી રાત ફરજ બજાવવા માટે સુચના આપવામાં આવી છે.