ભારે વાહનોથી થતા અકસ્માતના બનાવમાં વિસ્તારના અધિકારીઓની જવાબદારી ફિક્સ કરો
જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવાના બદલે પોલીસ દંડ ઉઘરાવવામાં મશગુલ
હનુમાન મઢી ચોકમાં કાળમુખા ડમ્પર ચાલકે એકટીવાને હડફેટે લેતા 20 વર્ષની છાત્રા નું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે આ અકસ્માત બાદ રાજકોટ શહેર/જિલ્લા વાલી મહામંડળમાં અને શહેરમાં નાગરિકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. તંત્ર વાહકોની ધૃતરાષ્ટ્ર નીતિ હજુ કેટલા નાગરિકોનો રાજકોટમાં ભોગ લેશે? રાજકોટ શહેર એ મેગાસિટીની હરણફાળ તરફ આગળ ધપતું શહેર બન્યું છે. દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વિકરાળ રૂૂપ ધારણ કરી રહી છે. સૌરાષ્ટ્રનું પાટનગર સમાન રાજકોટ શહેર એ શૈક્ષણિક હબ બની ગયું છે. સવાર થી સાંજ સુધી સ્કુલ કોલેજમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની સતત અવરજવર શહેરના રાજમાર્ગો પર રહેતી હોય છે. ત્યારે શહેરમાં ટ્રક, ટ્રેક્ટર, મેટાડોર, ડમ્પર, લક્ઝરી બસ, ભારે વાહનો પર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું અમલમાં છે .
શહેરમાં આવા વાહનો પર પ્રવેશ બંધી છે તેમ છતાં શહેરમાં ભારે વાહનો બે રોક ટોક માતેલા સાંઢની જેમ શહેરના રાજમાર્ગો અને શેરી ગલીઓમાં અવરજવર થતી રહે છે. જેને પગલે રાજકોટ માં ઘરેથી નીકળેલો માણસ પાછો ઘરે પહોંચશે કે નહીં તેની ખાતરી નથી. સ્કૂલ કોલેજની આજુબાજુમાં સ્કુલ છૂટવાના સમયે આવા વાહનોની અવરજવર થતી હોય તો પીસીઆર વાન દ્વારા પેટ્રોલિંગ કરી જાહેરનામાનો ભંગ કરનારા ભારે વાહનો સામે કડક કાર્યવાહી થવી જોઈએ જે લાંબા સમયથી થઈ નથી અને વર્ષોથી જાહેર નામાનો ભંગ બદલ ગુના નોંધવામાં આવ્યા નથી જે ટ્રાફિક બ્રાન્ચ ના રેકોર્ડ પર મોજુદ છે.
તમામ સ્કૂલ કોલેજોની આજુબાજુમાં સ્પીડ બ્રેકર અને આગળ સ્કૂલ છે તે પ્રકારના સાઈન બોર્ડ જરૂૂરી છે. શહેરમાં દર મહિને એક કરોડનો દંડ કરતી પોલીસ ટ્રાફિક નિયમનમાં અને ટ્રાફિકની અંધાધુંધી નિવારવામાં માયકાંગલી પુરવાર થઈ છે. રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ રાજકોટ મહાનગરપાલિકા અને આરટીઓના જવાબદાર અધિકારીઓના સંકલનના અભાવે રાજકોટના નાગરિકો પર આ પ્રકારના વાહનો જાણે મોતની લટકતી તલવાર સમાન છે.
કયા સમયે પ્રવેશબંધીમાં છૂટછાટ છે તે અંગેની રાજકોટ શહેર પોલીસ દ્વારા પ્રેસનોટ આપવામાં આવતી નથી અને બોર્ડ પર અન્ય જાહેરાતોના ચિતરામણ પણ લાગેલા હોય છે. ભારે વાહનો પર પ્રવેશબંધી છે ત્યાં ડિજિટલ સાઈન બોર્ડ સમય સાથે દર્શાવવા જોઈએ. અને ભારે વાહનો અંગે જ્યારે પણ પોલીસ કમિશનરના જાહેરનામનો ભંગ કરી ભારે વાહન નાગરિકોને કચડી નાખે ત્યારે જે તે સેક્ટરના પોલીસ ઇન્સ્પેક્ટર પર પણ પગલા ભરાવા જોઈએ કારણ કે આઇવે પ્રોજેક્ટ હેઠળ વાહન કેમેરામાં કેદ થવા છતાં ભારે વાહન અંદર ઘૂસી ગયું હોય તો આંખમિચામણા કરનારની સામે સખત કાર્યવાહી થવી જોઈએ એવી રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ નયનભાઈ કોઠારી, જીતુભાઈ લખતરિયા, નાગજીભાઈ વિરાણી દ્વારા માંગ કરવામાં આવી છે.
