લોખંડનો ડેલો માથે પડતા પાંચ વર્ષના માસૂમ બાળકનું મોત
ટંકારાના લજાઈ ચોકડી પાસે લેબર કોલોનીમાં રહેતા પરિવારનો પાંચ વર્ષનો માસુમ બાળક રમતો હતો ત્યારે અકસ્માતે લોખંડનો ડેલો માથે પડયો હતો. ગંભીર રીતે ઘવાયેલા માસુમ બાળકનું તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ટંકારાના લજાઈ ચોકડી પાસે મારૂતિ પ્લાસ્ટીકના લેબર કવાર્ટરમાં રહેતાં પરિવારમાં સંદીપ રઘુભાઈ ડાવર નામનો પાંચ વર્ષનો માસુમ બાળક બે દિવસ પૂર્વે લેબર કવાર્ટરમાં રમતો હતો ત્યારે અકસ્માતે લોખંડનો ડેલો માથે પડયો હતો. ગંભીર રીતે ઘવાયેલા માસુમ બાળકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં શ્રમિક પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરતાં ટંકારા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક માસુમ બાળકનો પરિવાર મુળ મધ્યપ્રદેશનો વતની છે અને કારખાનામાં મજુરી કામ કરે છે. મૃતક સંદીપ ડાવર પાંચ ભાઈમાં વચેટ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.