નવસારીમાં પાંચ વર્ષના બાળકનું માથુ લિફ્ટમાં ફસાઇ જતાં કરૂણ મોત
કટરથી દરવાજો કાપીને બહાર કાઢયો પણ બચાવી ન શકયા
નવસારીના વિજલપુર વિસ્તારમાં આવેલ નિરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં આજે સવારે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીના પાંચ વર્ષીય પુત્ર સાર્થકનું લિફ્ટમાં ફસાઈ જવાથી મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. કટરથી લિફ્ટનો દરવાજો કાપીને બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો કજોકે તેનો જીવ બચાવી શકાયો ન હતો.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર સવારે 9 વાગ્યાની આસપાસ માતા ફ્લેટના દરવાજાને લોક લગાવી રહી હતી. જે દરમિયાન સાર્થક લિફ્ટ પાસે પહોંચી ગયો હતો. નિરવ એપાર્ટમેન્ટમાં અગાઉ વપરાતી લાકડાનો દરવાજો અને લોખંડની જાળીવાળી લિફ્ટ છે. સાર્થક લાકડાનો દરવાજો ખેંચીને લિફ્ટમાં જવા ગયો હતો. જે દરમિયાન દરવાજાનો ધક્કો વાગ્યો. એ જ સમયે લિફ્ટ અંદરની લોખંડની જાળી બંધ થાય તે પૂર્વે લિફ્ટ ઉપરની તરફ જવા લાગતા સાર્થક ફસાઇ ગયો હતો.
ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કટર વડે લિફ્ટનો દરવાજો કાપીને બાળકને બહાર કાઢ્યો હતો. જો કે, કમનસીબે બાળકને બચાવી શકાયો નહોતો. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાથી પરિવાર અને આસપાસના લોકોમાં ભારે આઘાત લાગ્યો છે. આ ઘટના જૂની લિફ્ટની જાળવણીના અભાવે થતા અકસ્માતોની ગંભીરતા દર્શાવે છે.