કલ્યાણપુરના માલેતા ગામના પ્રૌઢ પર મહિલા સહિત પાંચ શખ્સોનો હુમલો
કલ્યાણપુર તાલુકાના માલેતા ગામે રહેતા વેજાણંદભાઈ દેવશીભાઈ રાવલિયા નામના 53 વર્ષના આહિર પ્રૌઢ સાથે અગાઉના જમીન તથા રસ્તા બાબતના ચાલ્યા આવતા મનદુ:ખનો ખાર રાખી, તેઓ પોતાની ભેંસો લઈને ચરાવવા જતા હતા, ત્યારે આરોપી પ્રવીણ કારૂૂભાઈ રાવલિયા, પાર્થ દલવીર ડુવા, કારૂૂ દેવશી રાવલીયા, દલવીર રામ ડુવા અને રાધુબેન પ્રવીણભાઈ રાવલીયા વિગેરે દ્વારા ભેંસોને પથ્થર મારી, ફરિયાદી વેજાણંદભાઈ ઉપર ત્રિકમના ઉંધા ઘા મારીને ફ્રેક્ચર સહિતની ઇજાઓ કર્યાની અને તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.આ બઘડાટીમાં પ્રવીણ ડુવાના મજૂરોએ પણ તેમને પથ્થરોના ઘા માર્યા હતા. જે અંગે પોલીસે તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
બેટ દ્વારકામાં પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ
ઓખા મંડળના બેટ દ્વારકા ખાતેના બાલાપર વિસ્તારમાં રહેતી અને આદમ ઈસ્માઈલ અંગારીયાની 25 વર્ષની પરિણીત પુત્રી મુમતાઝબેન ઓસમાણ સુંભણીયાને તેણીના લગ્ન જીવન દરમિયાન તેણીના પતિ ઓસમાણ મામદ સુંભણીયા, સસરા મામદ વલીમામદ સાસુ ઝરીનાબેન ઉપરાંત હસીનાબેન લતીફ, લતીફ મામદ, અભુ મામદ, ઈકબાલ મામદ અને ઈજાજ મામદ સુંભણીયા નામના આઠ સાસરિયાઓ દ્વારા અવારનવાર શારીરિક તથા માનસિક દુ:ખ ત્રાસ આપીને બિભત્સ ગાળો કાઢી, મારકુટ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે તમામ આઠ સાસરીયાઓ સામે સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.