મોરબી પંથકમાં જુદા-જુદા ચાર બનાવમાં યુવતી, યુવક સહિત પાંચ વ્યક્તિનાં મોત
મોરબીની હવેલી શેરીમાં રહેતા 45 વર્ષના આધેડ મચ્છુ નદીના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે.
મોરબીના ગ્રીન ચોક પાસે હવેલી શેરીના રહેવાસી જીતેશ ઉર્ફે જીતુભાઈ દલસુખભાઈ ખંભાતી (ઉ.વ.45) નામના આધેડ ગત તા. 03 ના રોજ જૂની આરટીઓ કચેરી પાસે આવેલ મચ્છુ નદીના પાણીમાં પડી જતા ડૂબી જતા મોત થયું છે મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને બનાવની નોંધ કરી આધેડ અકસ્માતે પાણીમાં પડી ગયા કે અન્ય કાઈ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
પતરા પરથી પડી જતા બે આધેડના મોત
રફાળેશ્વર માં કારખાનામાં કામ કરતી વખતે પતરા પરથી પડી જતા બે આધેડના મોત થયા હતા બનાવ અંગે પોલીસે વધુ તપાસ ચલાવી છે. મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેવાસી કિશોરભાઈ કાંતિભાઈ અદગામા (ઉ.વ.40) અને દિનેશભાઈ સોમાભાઈ વરાણીયા (ઉ.વ.45) એમ બંને આધેડ રફાળેશ્વર જીઆઈડીસીમાં આવેલ જીઓ ટેક કલર કંપની કારખાનામાં પતરાના છાપરા પર કામ કરતા હતા ત્યારે કોઈ કારણોસર પતરા પરથી નીચે પડી જતા બંનેના મોત થયા હતા મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પરિણીતાનો ફાંસોખાઇ આપઘાત
રવાપર નદી ગામે રહેતી 32 વર્ષની પરિણીતાએ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના રવાપર નદી ગામના રહેવાસી નૈનાબેન દિનેશભાઈ ચૌહાણ (ઉ.વ.32) નામની પરિણીતાએ તા. 04 ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો મૃતકનો લગ્નગાળો દશેક વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
કેનાલમાં ડૂબી જતા યુવાનનું મોત
માળિયા તાલુકાના ખીરઈ ગામ નજીકથી પસાર થતી કેનાલના પાણીમાં ડૂબી જતા 40 વર્ષના યુવાનનું મોત થયું હતું માળિયા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના ઇન્દિરાનગરના રહેવાસી ભરત લક્ષ્મણભાઈ સોલંકી (ઉ.વ.40) નામના યુવાન ગત તા. 04 ના રોજ માળિયા તાલુકાના ખીરઈ ગામ પાસે આવેલ કેનાલના પાણીમાં કોઈ કારણોસર પડી જતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું માળિયા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.