દર્શન કરવા ગયેલા કારખાનેદાર સહિત 5ના હૃદય બેસી ગયા
શિયાળાની ઠંડી જામવા લાગતા શ્ર્વાસની બિમારી ધરાવતા લોકોને શ્ર્વાસ લેવામાં તકલીફ પડવા લાગી છે. જયારે હૃદય રોગના હુમલાનુ પ્રમાણ પણ દિન પ્રતિદિન વધી રહ્યુ છે. ત્યારે રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં દર્શન કરવા ગયેલા કારખાને દાર પૌઢ સહિત પાંચ લોકોના હાર્ટએટેકથી મોત નિપજતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર વિવેકાનંદ નગર શેરી નં.14માં રહેતા પ્રતાપભાઇ ધીરુભાઇ વાઘેલા (ઉ.વ.52)નામના પૌઢ આજે સવારે ઘરેથી મેલીડી માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા. દરમિયાન મંદિર પાસે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનુ મોત નિપજ્યુ હતું. પ્રાથમિક તપાસમાં મૃતક પ્રતાપભાઇ ચાર ભાઇમાં મોટ અને ગોંડલ રોડ પર એચ.પી.હાઇડ્રોલીક નામનુ કારખાનુ ધરાવતા હતા તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. તેઓ મંદિરે દર્શન કરવા ગયા ત્યારે હાર્ટએટેક આવી જતા મૃત્યુ નિપજ્યાનું જાણવા મળ્યુ છે. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે.
બીજા બનાવમાં મોરબી રોડ પર વેલનાથપરા શેરી નં.2માં રહેતા રણછોડભાઇ પ્રેમજીભાઇ બાહુકીયા (ઉ.વ.53)ના નામના પૌઢ આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે હાર્ટએટેક આવી જતા બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેમનુ મોત નિપજ્યુ હતું. પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણ ભાઇ એક બહેનમાં વચેટ અને યાર્ડમાં મજૂરી કામ કરતા હતા તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.
ત્રીજા બનાવમાં કોઠારિયા સોલવન્ટમાં આવેલા 25 વારીયા કવાર્ટરમાં રહેતો મહેશ ખીમજીભાઇ પરમાર (ઉ.વ.40)નામનો યુવાન આજે સવારે 6 વાગ્યાના અરસામા પોતાના ઘરે બેભાન થઇ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી હાર્ટએટેક આવી જતા મરણ ગયાનુ જાહેર કર્યુ હતું. મૃતક મહેશ મજૂરી કામ કરતો હોવાનુ અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.
ચોથા બનાવમાં ભગવતીપરામાં અયોધ્યા સોસાયટી શેરી નં.3માં રહેતા વિનોદભાઇ મનજીભાઇ ધરાસીયા (ઉ.વ.42) ગત રાત્રે પોતાના ઘરે હતા ત્યારે બેભાન થઇ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા. જયા તેમનુ મોત નિપજ્યુ હતું. મૃતક વિનોદભાઇ બે ભાઇમાં નાના અને અપરિણીત હોવાનુ જાણવા મળ્યુ છે. તબીબો દ્વારા હૃદય રોગનો હુમલો આવી ગયાનું જણાવ્યું હતું.
જયારે પાંચમાં બનાવમાં વેલનાથપરામાં જડેશ્ર્વર પાર્કમાં રહેતા રાજેન્દ્ર પ્રસાદ ગુરુબચ્ચન શિંગ પાસવાન (ઉ.વ.47)નામના આધેડ આજે સવારે ઘરે હતા ત્યારે બેભાન થઇ જતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઇ તપાસી હાર્ટએટેકથી મોત થયાનુ જણાવ્યુ હતું. મૃતક મુળ યુપીના વતની અને હાલ રાજકોટમાં રહી કારખાનામાં રહી કામ કરતા હોવાનુ જાણવા મળ્યુ છે.