ખંભાળિયા પાસે રિક્ષા અને લકઝરી બસ અથડાતા બે બાળકો સહિત પાંચને ઇજા
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર ગોરધનપર ગામના પાટીયા પાસે ખાનગી લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં રિક્ષા ચાલક અને તેના પત્ની તથા બે સંતાનો ઉપરાંત અન્ય એક રાહદારી મહિલા સહિત પાંચને ઇજા થઈ છે. પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધ્યો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ટીંબડી ગામમાં રહેતા અમરસંગ જટુભા જાડેજા, કે જેઓ ગઈકાલે પોતાના પરિવાર સાથે જામનગર આવ્યા હતા, અને જામનગર થી પોતાની રિક્ષામાં બેસીને ખંભાળિયા તરફ જઈ રહ્યા હતા. જે રિક્ષામાં તેઓના પત્ની પ્રફુલાબા (ઉ.વ.39) તથા પુત્રી પ્રિયંકા (16 વર્ષ) તથા છ વર્ષનો પુત્ર વગેરે રિક્ષામાં સાથે બેઠા હતા.
જે રીક્ષા ગોરધનપર ગામના પાટીયા પાસે પહોંચતાં પુરપાટ ઝડપે આવી રહેલી રાધે ક્રિષ્ના ટ્રાવેલ્સની જી.જે. -13 એ.ડબ્લ્યુ. 9913 નંબરની ખાનગી લક્ઝરી બસના ચાલકે રિક્ષાને ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માતમાં રીક્ષા ચાલક દંપત્તિ અને તેના બે સંતાનો ઘાયલ થયા હતા. આ ઉપરાંત તે સ્થળે વાહનની રાહ જોઈને રસ્તા પર ઊભેલી નાથીબેન નામની અન્ય એક મહિલા પણ ઘાયલ થઈ હતી, અને પાંચેય ઇજાગ્રસ્તોને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવી પડી છે.
આ અકસ્માતના બનાવની જાણ થતાં સિક્કા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. સી.ડી. ગાંભવા બનાવના સ્થળે અને ત્યારબાદ જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા રીક્ષા ચાલકના પત્ની પ્રફુલ્લાબા જાડેજા ની ફરિયાદના આધારે ખાનગી લક્ઝરી બસના ચાલક સામે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
