રાજકોટમાં મહાદેવની પૂજા કરતાં યુવાન સહિત પાંચના હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવજીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે રાજકોટમાં 24 કલાકમાં પાંચ લોકોના શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં કોઠારીયા ગામે રહેતો ગોંડલના વાસાવડનો યુવાન મહાદેવના મંદિરે પૂજા અર્ચના કરતો હતો ત્યારે પરસાણાનગરનો યુવાન પરિવાર સાથે જમીને આવ્યા બાદ અને ઘંટેશ્ર્વરના યુવક, રેલનગરના આધેડ અને ચુનારાવાડના વૃધ્ધાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ મુળ ગોંડલના વાસાવડ ગામનો વતની અને હાલ રાજકોટમાં કોઠારીયા ગામે આવેલ માધવપાર્કમાં રહેતાં રસિકગીરી નારદગીરી ગોસાઈ (ઉ.40) સવારના સાડા છએક વાગ્યાની આસપાસ પોતાના ઘર પાસે આવેલ બીલેશ્ર્વર મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરતો હતો ત્યારે શિવલીંગ પર પાણીની લોટી ચડાવતી વેળાએ બેભાન હાલતમાં ઢળી પડયો હતો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં યુવકનું હ્રદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું તબીબે જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક યુવાન ત્રણ ભાઈ એક બહેનમાં વચેટ હતો અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. રસિકગીરી ગોસાઈ છેલ્લા 10 વર્ષથી સેવા પૂજા કરતાં હતાં.
આ ઉપરાંત બીજા બનાવમાં પરસાણાનગરમાં આવેલ જયોતી પાર્કમાં રહેતાં સફાઈ કામના કોન્ટ્રાકટર કૃણાલભાઈ વલ્લભભાઈ વાઘેલા (ઉ.36) રાત્રીના પરિવાર સાથે બહાર જમીને ઘરે આવ્યા બાદ સુઈ ગયા હતાં તે દરમિયાન રાત્રીના બે વાગ્યાના અરસામાં છાતીમાં દુ:ખાવો ઉપડતાં સારવાર માટે ખાનગી બાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવકનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. મૃતક યુવાન બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને તેમને સંતાનમાં એક પુત્રી છે.
ત્રીજા બનાવમાં ઘંટેશ્ર્વર એસ.આર.પી.કેમ્પ પાસે રહેતાં ભાવેશ ભીખાભાઈ ગળચર (ઉ.38)પોતાના ઘરે હતો ત્યારે સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં હૃદયરોગનો હુમલો આવતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. મૃતક યુવાન ત્રણ ભાઈ બે બહેનમાં નાનો હતો અને તેમને સંતાનમાં બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
ચોથા બનાવમાં રેલનગરમાં આવેલ લાલબહાદુર ટાઉનશીપમાં રહેતા પ્રફુલભાઈ ભગવાનજીભાઈ ગોહેલ (ઉ.51)ને સવારના નવેક વાગ્યાના સમયે હૃદયરોગનો હુમલો આવતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતક આધેડ બે ભાઈ એક બહેનમાં મોટા હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. મૃતક આધેડ રેલનગર આસ્થા ચોકમાં પાઉંભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં.
આ ઉપરાંત પાંચમાં બનાવમાં ચુનારાવાડ ચોક પાસે અંબિકા સોસાયટીમાં રહેતાં પાનુબેન અરજણભાઈ ભારીયા (ઉ.62)ને બપોરના સમયે હૃદયરોગનો હુમલો આવતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક વૃધ્ધાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
