રાજસ્થાનમાં જમવાનું બિલ ચૂકવ્યા વગર ભાગેલા પાંચ ગુજરાતીઓ અંબાજીથી ઝડપાયા
રાજસ્થાનના આબુરોડમાં એક હોટલમાંથી બિલ ચૂકવ્યા વિના ભાગી ગયેલા પાંચ પ્રવાસીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. હોટલ માલિકે પીછો કરીને પોલીસને જાણ કરતા, અંબાજી રોડ પરથી તેમને પકડી લેવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ ઘટના રિકો પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સિયાવા હેપ્પી ડે હોટેલમાં બની હતી. ગુજરાતના પાંચ પ્રવાસીઓ, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે, તેમણે હોટલમાં ભોજન લીધું હતું. તેમનું કુલ બિલ ₹10,900 થયું હતું. ભોજન કર્યા બાદ, તેઓ બાથરૂૂમનો ઉપયોગ કરવાના બહાને નીકળ્યા અને પૈસા ચૂકવ્યા વિના કાર લઈને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો.
હોટલ માલિકને આ વાતની જાણ થતાં જ તેમણે અને વેઈટરે તાત્કાલિક કારનો પીછો કર્યો. ટ્રાફિક હોવા છતાં, તેઓએ અંબાજી માર્ગ પર ગુજરાત સરહદ સુધી તેમનો પીછો કર્યો. આબુરોડ રિકો પોલીસ અને ગુજરાત પોલીસની મદદથી કારમાં સવાર તમામ પાંચ લોકોને સ્થળ પર જ પકડી લેવામાં આવ્યા હતા. હોટેલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં પણ આ પ્રવાસીઓ કેદ થયા હતા, જે પુરાવા તરીકે ઉપયોગી બન્યા.
