સાળંગપુર દર્શને જતાં પાંચ મિત્રોને અકસ્માત, બેનાં મોત, ત્રણ ગંભીર
જૂનાગઢમાં ગત રોજ થયેલ અકસ્માતમાં 7 લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો. જુનાગઢની ઘટનાને 24 કલાક પણ થયા નથી ત્યાં આણંદનાં તારાપુર બગોદરા સિક્સલેન હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોનાં ઘટનાં સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડોદરાથી 5 મિત્રો સાળંગપુર દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારે આણંદનાં તારાપુર-બગોદરા હાઈવે પર વરસડા પાસે હાઈવે પર શ્વાન આડું ઉતરતા શ્વાનને બચાવવા જતા કાર ચાલકે સ્ટીંયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાર ચાલકે સ્ટીંયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડમાં ડિવાઈડર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પાંચમાંથી બે મિત્રોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ મિત્રોને ગંભીર ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મૃતકોમાં નાગવાળાનાં પ્રવિણ પંડ્યા અટલાદરાનાં જીગ્નેશ વસાવાનો સમાવેશ થાય છે. અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી જવા પામી હતી. ત્યારે અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક થતા પોલીસ દ્વારા તાત્કાલીક ધોરણે ટ્રાફિક ક્લીયર કરી મૃતદેહોને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા.