દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં રાત્રિ દરમિયાન આવારા તત્વો દ્વારા માછીમારી
ભારતના પશ્ચિમ ક્ષેત્રનું પ્રમુખ તીર્થસ્થાન એવા યાત્રાધામ દ્વારકામાં ઠાકોરજીના દર્શનની સાથે સાથે અહીં આવેલ પવિત્ર ગોમતી નદીમાં સ્નાનનું પણ અનેરું મહત્ત્વ રહેલું છે. દર વર્ષે અહીં લાખો શ્રધ્ધાળુંઓ આસ્થાભેર ડૂબકી લગાવી પુણ્યનું ભાથું બાંધે છે. ગોમતી નદી સમુદ્ર સાથે જોડાયેલી હોય અહીં માછલીઓ પણ વિપુલ માત્રામાં જોવા મળે છે. તીર્થક્ષેત્રમાં સ્થાનીકો ઉપરાંત બહારગામના શ્રધ્ધાળુંઓ પણ માછલીઓને ચારો ખવડાવી પુણ્ય પ્રાપ્ત કરે છે, જો કે ગોમતી નદીના એક તરફના ભાગે માછલીઓને ચારો મળે છે તેમ ગોમતી નદીની સામે આવેલ પંચકુઈ બીચ રાત્રિ દરમ્યાન નિર્જન વિસ્તાર બની જતો હોય અમૂક તત્ત્વો દ્વારા ગોમતી નદીના સામા કાંઠાનો માચ્છીમારી કરવા પણ અવાર-નવાર ઉપયોગ થતો જોવા મળે છે.
ગોમતી નદીમાં ફીશીંગ કરવા પર પ્રતિબંધ હોવા અંગે જાહેરનામું હોવા છતાં અને અવાર નવાર રજૂઆતો છતાં તંત્ર કુંભકર્ણની ભૂમિકામાં હોય તેમ કોઈ જ નકકર પગલાં ન લેવાતા હોય હિન્દુ ધર્મની લાગણી દુભાય છે. તો બીજી તરફ જગતમંદિરની ખૂબ નજીકનો દરિયા કિનારો રાત્રિના સમયે આટલો અસુરક્ષિત કેમ તેવા પણ સવાલો ઉઠી રહયા છે.