ઉનાના સૈયદ રાજપરાની માછીમારી બોટ દરિયામાં ડૂબી, 4 ખલાસી લાપતા
ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામની એક માછીમારી બોટ મધદરિયે પલટી ગઈ હતી. મુરલીધર નામની આ બોટ ગઈકાલે સાંજે મધદરિયે પલટી જતાં ગંભીર દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં બોટમાં સવાર 9 ખલાસીઓમાંથી 5નો આબાદ બચાવ થયો હતો. જ્યારે અન્ય 4 લોકો હાલ લાપતા છે. આ ઘટના સૈયદ રાજપરા અને ધારાબંદર વચ્ચે કિનારાથી આશરે 21 કિલોમીટર દૂર બની હતી. ગઈકાલે સાંજે 4 વાગ્યાની આસપાસ બોટ માછીમારી કરી રહી હતી.
ત્યારે અચાનક દરિયાના તેજ મોજાની થપાટ લાગતા તે પલટી ગઈ હતી. બોટ પલટી જતાં તેમાં સવાર તમામ ખલાસીઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે અન્ય બોટના માછીમારોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂૂ કરી હતી. જેના કારણે 5 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. આ બચાવાયેલા ખલાસીઓને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ઉનાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
બચાવ થયેલા ખલાસીઓ પૈકીના રમેશભાઈ કાળાભાઈ બાંભણીયાએ જણાવ્યું હતું કે અચાનક બોટ મોજાની થપાટથી પલટી ગઈ હતી અને અમે પાણીમાં પડી ગયા હતા.
અમે અન્ય બોટોની મદદથી બહાર નીકળ્યા. જોકે આ દુર્ઘટનામાં હજુ પણ 4 ખલાસીઓ લાપતા છે. તેમને શોધવા માટે તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ માછીમાર પરિવારોમાં શોક અને ચિંતાનો માહોલ ફેલાવી દીધો હતો.