ઓખામાં મધદરિયે બોટમાંથી પડી જતા માછીમાર યુવાનનું મૃત્યુ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ વતની અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા કરશનભાઈ રામસિંગભાઈ વાળા નામના 41 વર્ષના માછીમાર યુવાન ઓખા નજીકના દરિયામાં બોટ મારફતે માછીમારી કરવા ગયા હતા. અહીં રાત્રિના આશરે 12:30 વાગ્યાના સમયે ઓખાથી આશરે 11 નોટિકલ માઈલ દૂર બોટના પાછળના ભાગે તેઓ કુદરતી હાજત માટે ગયા હતા. ત્યારે તેઓ એકાએક દરિયાના પાણીમાં પડી ગયા હતા. જેથી ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ પ્રતાપભાઈ મસરીભાઈ સેવરાએ ઓખા મરીન પોલીસને કરી છે.
ભાણવડના વૃદ્ધ પર હુમલો
ભાણવડના રણજીત પરા વિસ્તારમાં રહેતા માવજીભાઈ જગાભાઈ કટેછીયા નામના 62 વર્ષના વૃદ્ધ તેમની ઘુમલી રોડ પર આવેલી વાડીએ હતા. ત્યારે અગાઉ બે વર્ષ પૂર્વેના શેઢા બાબતના મનદુ:ખનો ખાર રાખીને માલા બધાભાઈ ભરવાડ નામના શખ્સે ફરિયાદી માવજીભાઈની જમીનમાં ગુનાહિત અપપ્રવેશ કર્યો હતો.અહીં આરોપીએ તેમને ગેડા વડે માર મારી, ફ્રેકચર સહિતની ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાઈ છે. જે અંગે પોલીસે માલાભાઈ ભરવાડ સામે ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.