For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શહેર ભાજપના 21 હોદ્દાઓ માટે પ્રથમ વખત સેન્સ પ્રક્રિયા

02:59 PM Nov 01, 2025 IST | admin
શહેર ભાજપના 21 હોદ્દાઓ માટે પ્રથમ વખત સેન્સ પ્રક્રિયા

સાંજે કાર્યક્રમ જાહેર થશે; રવિ અથવા સોમવારે બે નિરિક્ષકો 200થી વધુ દાવેદારોને સાંભળશે

Advertisement

ઉપપ્રમુખ-મહામંત્રી-મંત્રી અને કોષાધ્યક્ષના પદ માટે ત્રણ-ત્રણ નામોની બનશે પેનલો, કાર્યાલય મંત્રીની સીધી નિમણૂક

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણુક થઇ જતા હવે શહેર-જિલ્લાઓના સંગઠનની રચના માટે આજથી કવાયત શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેર ભાજપમાં ત્રણ મહામંત્રી, 8 મંત્રી, 8 ઉપપ્રમુખ અને એક કોષાધ્યક્ષ તથા એક કાર્યાલય મંત્રીની નિમણુક માટે પણ પ્રથમ વખત સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે. ત્યારે સંગઠનના 21 હોદાઓ માટે 200થી વધુ દાવેદારો તૈયાર થયાનું જાણવા મળે છે.

Advertisement

શહેર ભાજપ પ્રમુખપદે ડો.માધવ દવેની નિમણુક બાદ હવે સંગઠનના બાકી 21 હોદેદારોની નિમણુકો માટે સંભવત: રવિ અથવા સોમવારે પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આ માટે પ્રદેશ ભાજપ દ્વારા બે નિરિક્ષકોની નિમણુક કરવામાં આવી છે. પરંતું ભલામણો અને લોબિંગ ટાળવા નિરિક્ષકોના નામો ગુપ્ત રાખવામાં આવ્યા છે. જો કે, શહેર ભાજપ પ્રમુખને તેની ટીમ નક્કી કરવાની છૂટ આપવાના બદલે સંગઠનની રચનામાં પણ પ્રદેશ નિરિક્ષકોની પધ્ધતી અપનાવાતા ભાજપના સ્થાનિક નેતાઓમાં કચવાટની લાગણી જન્મી છે.

શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેને પૂછતા તેમણે જણાવ્યુ હતું કે, શહેર ભાજપના 21 હોદેદારોની સેન્સ પ્રક્રિયા માટે આજે સાંજે પ્રદેશમાંથી કાર્યક્રમ અને નિરિક્ષકોના નામ આવી જશે. કાર્યક્રમ આવ્યા બાદ સેન્સ પ્રક્રિયા કયારે કરવી તે નિર્ણય લેવામાં આવશે.

મળતી માહિતી મુજબ નિરિક્ષકો મહામંત્રી, મંત્રી, ઉપપ્રમુખ સહિતના દાવેદારોની સેન્સ લેશે અને ત્યારબાદ નિરિક્ષકોની હાજરીમાં ભાજપ સંકલનની બેઠક યોજાશે. આ બેઠકમાં કાર્યાલય મંત્રી સિવાયના મહામંત્રી, મંત્રી અને ઉપપ્રમુખપદ માટે ત્રણ-ત્રણ કાર્યકરોની પેનલ બનાવવામાં આવશે અને પેનલો સાથે નિરિક્ષકો પોતાનો રિપોર્ટ પ્રદેશ ભાજપ પ્રમુખને સોંપશે. ત્યાર બાદ તા.10 નવેમ્બરના રોજ શહેર ભાજપના નવા હોદેદારોના નામોની જાહેરાત સિધી જ પ્રદેશ કાર્યાલયમાંથી કરવામાં આવનાર છે.

હાલ મહત્વના હોદાઓ માટે ભાજપના દાવેદારો દ્વારા સાંસદો-ધારાસભ્યો તેમજ અન્ય આગેવાનો સમક્ષ લોબિંગ શરૂ થઇ ગયા છે. સાંસદો અને ધારાસભ્યો પણ પોતાની રીતે સ્વતંત્ર નામોની નિરિક્ષકો સમક્ષ ભલામણો કરી શકશે.
ભાજપના સુત્રોના કહેવા મુજબ હાલ ઉપપ્રમુખ, મહામંત્રી તથા મંત્રી સહિતના હોદ્દાઓ માટે એક હોદ્દા દીઠ 10-10 થી વધુ દાવેદારો છે. ખાસ કરીને મહામંત્રીના હોદ્દા માટે ભલામણો અને લોબીંગનો દૌર વધુ જોવા મળી રહ્યો છે. જો કે પસંદગીની આખી પ્રક્રિયા પ્રદેશના હાથમાં હોવાથી મહત્વના હોદ્દાઓમાં ધારાસભ્યો અને સાંસદોનો હાથ ઉપર રહે તેવી શકયતા વધુ છે.

દુષ્યંત સંપટને મહામંત્રી બનાવો, 42 નામ સાથેનો પત્ર વાયરલ
ગુજરાતમાં ભાજપ દ્વારા આજથી શહેર-જિલ્લા ભાજપના સંગઠનની પ્રક્રિયા શરૂ થઇ છે. તેવા સમયે જ રાજકોટ શહેર ભાજપમાં મહત્વના હોદાઓ માટે લોબિંગ શરૂ થઇ ગયું છે અને વિધાનસભા-68 મતવિસ્તારના ભાજપના જૂના જોગીઓએ દુષ્યંત સંપટને શહેર ભાજપના મહામંત્રી બનાવવાની માંગણી સાથેનો પત્ર શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેને લખ્યો છે અને આ પત્ર સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરતાં ભારે ચર્ચા જાગી છે.

આ પત્રમાં સામાકાંઠા વિસ્તારના ભાજપના કુલ 42 જેટલા આગેવાનોના નામો લખ્યા છે. પરંતુ તેમાંથી સહી માત્ર પાંચ આગેવાનોએ જ કરી છે. તેથી આ પત્રમાં જેના નામો લખ્યા છે. તે તમામ લોકો સંપટના નામ સાથે સહમત છે કે કેમ ? તે અંગે પણ શંકા પ્રવર્તી રહી છે.
બીજી તરફ શહેર ભાજપમાં આવી ભલામણના પત્ર વાયરલ કરવાની કોઇ પ્રથા નથી પરંતુ આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં કોઇએ ઇરાદા પૂર્વક કુકરી ગાંડી કરી હોવાનુ માનવામાં આવે છે. સામાકાંઠે બે જૂથ વચ્ચે ગત ધારાસભાની ચૂંટણીથી આંતરિક વોર ચાલી રહી છે અને તેના ભાગરૂપે આ પત્ર વાયરલ કરાયો હોવાની ચર્ચા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement