પહેલાં બર્થ-ડે સેલિબ્રેશન અને પછી કેન્ડલ માર્ચ!
કિસાનપરામાં પહેલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ આપ્યા પહેલાં ટોળું અંજલિબેનના જન્મદિવસની ઉજવણી કરવા પહોંચ્યું, લોકોમાં ભારે ટીકા
કાશ્મીરના પહેલગામમાં 26 પ્રવાસીઓની આતંકવાદીઓએ કરેલી નિર્મમ હત્યાબાદ દેશ આખો આહત અને આધાતમાં છે. દેશભરમાં ઉજવણીઓ અને અનેક કાર્યક્રમો રદ કરી લોકો શોક વ્યકત કરી રહ્યા છે. આ હત્યાકાંડના પગલે ભારત-પાકિસ્તાન યુદ્ધની કગાર પર આવી ગયા છે. તેવા માહોલમાં રાજકોટમાં ગઇકાલે સાંજે એક આંચકો આપનારી ઘટના બની છે.
ભાજપ દ્વારા ગઇકાલે સાંજે પહેલગામમાં આતંકીઓનો ભોગ બનેલા નિર્દોષ હિંદુઓ પ્રત્યે સંવેદના વ્યકત કરવા શહેરના કિસાનપરાચોકમાં શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેર ભાજપના તમામ હોદેદારો પદાધિકારીઓ અને વિવિધ મોરચાના હોદેદારોએ મૃતકોને શ્રદ્ધાંજલી આપી ત્રાસવાદીઓના કાયરાના કૃત્ય સામે ભારે આક્રોશ વ્યકત કર્યો હતો.
પરંતુ આ કાર્યક્રમ પૂર્વે ભાજપ મહિલા મોરચાના કેટલાક હોદેદારો અને કાર્યકરો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને બપોરે કેક કટિંગ કરીને અંજલીબેન વિજયભાઇ રૂપાણીના જન્મદિવસનું સેલિબ્રેશન કર્યુ હતુ. ઉત્સાહમાં આવી ગયેલા મહિલા મોરચાના અમૂક હોદેદારોએ આ સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ મુકતા આ વીડિયો આગની માફક વાઇરલ થયો હતો. દેશભરમાં શોકના માહોલ વચ્ચે ભાજપ જેવી પાર્ટીના જવાબદાર લોકો દ્વારા બર્થ-ડે સેલિબ્રેશનની ઘટનાથી લોકોએ પણ આંચકો અનુભવ્યો છે અને આ ઉજવણીની લોકો ભારે ટીકા કરી રહ્યા છે.
જો કે, આ વીડિયો વાઇરલ થતા અને લોકોમાં ભારે ટીકા થતા ભાજપના મહિલા મોરચાના દરેક હોદેદારોએ સોશિયલ મીડિયામાંથી ઘડાઘડ વીડિયો ડિલીટ કરી નાખ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં ઘણુ મોડુ થઇ ગયુ હતુ.
હું તો માત્ર શુભેચ્છા આપવા ગઇ હતી, ઉજવણી પણ કરી નથી: ડો.દર્શિતાબેન
અંજલીબેન રૂપાણીના નિવાસે બર્થ-ડે સેલિબ્રેશન અંગે વિવાદ સર્જાતા ભાજપના મહિલા ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહે જણાવેલ કે, હું પણ પહેલગામ ઘટનાથી દુ:ખી છે. મે બે દિવસના મારા તમામ કાર્યક્રમો રદ કર્યા છે. ગઇકાલે અંજલીબેન રૂપાણીને પ્રથમ ફોનથી જન્મદિવસ હતો એટલે મે બોપરે તેમને ફોનથી શુભેચ્છા પાઠવી હતી અને રૂબરૂ જવા કહેતા તેમણે ઘરે જ આવી જવા જણાવ્યું હતુ. હું તેમના ઘરે પહોંચી ત્યારે અમારા મહિલા મોરચાના ઘણા બધા બહેનો કેક લઇને આવેલા જ હતા. હું પહોંચી ત્યારે કેક કટિંગ થઇ ગયુ હતુ. ફોટા પાડતા હતા ત્યારે જ હું ત્યા પહોંચી તો તેમની લાગણીને માન આપી મે સાથે ફોટા પડાવ્યા હતા. હું કેકે, મીઠાઇ કે, પુષ્પગુચ્છ પણ લઇને ગઇ ન હતી. માત્રને માત્ર શુભેચ્છા આપવા ગઇ હતી. મને મહિલા મોરચાના કાર્યક્રમનછ ખબર જ ન હતી. હું માત્ર પાંચ જ મીનિટમાં નીકળી ગઇ હતી. મેં કોઇ ઉજવણી કરી નથી. આ માત્ર કાગનું બેસવુ ને ડાળનું તુટવુ જેવી ઘટના છે.