રાજકોટમાં અગ્નિકાંડ બાદ ચો.મીટરે રૂા.15થી 25 ફાયર ટેક્સ ઝીંકાયો
નવા ફાયર સ્ટેશનો સહિતની સુવિધાઓ ઊભી કરવા રહેણાંકમાં ચો.મીટરે રૂા.15 અને બિન રહેણાંકમાં રૂા.25 ફાયરવેરા લાદી રૂા.55 કરોડ ઊભા કરવાનું આયોજન
રાજકોટમાં ગત તા. 25 મેં 2024ના રોજ સર્જાયેલ ભયાનક ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના પડઘા આજે મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટિમાં રજૂ કરેલા બજેટમાં પણ પડ્યા છે અને શહેરમાં નવા ફાયર સ્ટેશનો ઉભા કરવા સહિતની ફાયર સુવિધા વધારવા માટે રહેણાક તથા બિન રહેણાક મિલ્કતો ઉપર ફાયર ટેક્સ લાદી રૂા. 55 કરોડ ઉભા કરવાનું સુચન કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે આ માટે રહેણાક મિલ્કતો ઉપર પ્રતિ ચો.મીટરે રૂા. 15 અને બિન રહેણાક મિલ્કતોમાં પ્રતિ ચો. મીટરે રૂા. 25નો ફાયર ટેક્સ લાદવા સ્ટેન્ડિંગ કમિટિને દરખાસ્ત કરી છે. જો કે, સ્ટેન્ડિંગ કમિટિ આ દરખાસ્ત માન્ય રાખે છે કે, રદ કરે છે અથવા તો ફાયર ટેક્સમાં થોડો ઘટાડો કરે છે તે જોવાનું રહ્યું.
મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટિને કરેલી દરખાસ્તમાં જણાવ્યું છે કે, જેમ જેમ રાજકોટ શહેરનો વિકાસ થઈ રહ્યો છે તેની સાથે જ મહાનગરપાલિકાની શહેરી સેવાઓ, ખાસ કરીને અગ્નિ સલામતિની જટીલતાઓ અને માંગણીઓ પણ સતત વધી રહી છે. શહેરના રહેવાસીઓની સલામતિ સુનિશ્ર્ચિત કરવા, મિલ્કતોને રક્ષણ આપવા તથા કાર્યક્ષણ ફાયર ફાઈટીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જાળવવાનો સંકલ્પ લઈને મહાનગરપાલિકાએ આગળવધવું જરૂરી છે. આ પરિપ્રેક્ષ્યમાં મજબુત ફાયર સેફ્ટી વ્યુહ રચના હવે ઔપચારિકતા જ નથી પરંતુ આવશ્યકતા પણ બની ગઈ છે. જો કે, ઉચ્ચગુણવત્તા વાળી ફાયર સેવાઓ પ્રદાન કરવા માટે નોંધપાત્ર ખર્ચ આવતો હોય છે. જેથી આ ફાયર ટેક્સના પ્રસ્તાવથી ફાયર સલામતી સુધારવા અને ટકાવી રાખવા માટે વિશિષ્ટ નાણાકીય પ્રબંધન કરવાની યોજના છે.
આ યોજના અંતર્ગત ફાયર સ્ટેશનોનું આધુનિકરણ, પ્રશિક્ષણ અને ક્ષમતા નિર્માણ, અગ્નિ રોકથામ કાર્યક્રમો, ડિઝાસ્ટર વિજિલિયન્સ કેપેસીટી અને ઝીરો કેઝ્યુઆલિટીના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા વિગેરે બાબતનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત બાબતોને લીધે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર સેવાઓના રેવેન્યુ ખર્ચમાં રૂા. 31.89 કરોડ મળીને કુલ ખર્ચ 152.03 કરોડ થવાનો અંદાજ છે, જેમાં સામાન્ય રીતે પગાર ખર્ચ, વાહન ખરીદી, નવા ફાયર સ્ટેશન બનાવવાનો તથા સ્ટેટ ઓફ આર્ટ ટેક્નોલોજી અડોપ્શનનો ખર્ચ સામેલ છે. જેથી રાજકોટ મહાનગરપાલિકામાં આવેલ રહેણાંક મિલ્કત માટે પ્રતિ ચોરસ મીટર દીઠ રૂા. 15 રૂપિયા તથા બિન-રહેણાક મિલ્કતો માટે પ્રતિ ચોરસ મીટર દીઠ રૂા. 25 રૂપિયા વસુલવા સુચવેલ છે. જેનાથી અંદાજે 55 કરોડની આવક થવાની સંભાવના છે.