અગ્નિકાંડ: જમીન માલિક કિરીટસિંહ જાડેજાના જામીન મંજૂર કરતી સુપ્રીમ કોર્ટ
15 આરોપી પૈકી અત્યાર સુધીમાં આઠ આરોપીને અદાલતે જામીન આપ્યા
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા આરોપીઓના સુપ્રીમ કોર્ટમાંથી જામીન મંજૂર થવાનો સિલસિલો શરૂૂ થયો છે, જેમાં ગેમ ઝોનવાળી જમીનના માલિક કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાની જામીન અરજી પણ સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં કાલાવડ રોડ, નાના મવા નજીક મોકાજી સર્કલ પાસે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ જવાના બનાવને ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા નિમવામાં આવેલી એસ.આઇ.ટી.ની તપાસ બાદ ગેમ ઝોનના માલિક, જગ્યાના માલિક, મહાપાલિકા ટાઉન પ્લાનિંગ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ, કારીગરો વગેરે 16 જેટલા લોકો સામે ગુનો નોંધાયો હતો, તેમાં બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી, બાંધકામ સહિતની અનેક બાબતોમાં મહાપાલિકા સહિતના તંત્રો દ્વારા ગેમઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું.
તેમાં એક આરોપીનું મૃત્યુ થતાં કુલ 15 આરોપીઓની ધરપકડ કરી કોર્ટની સૂચનાથી જેલ હવાલે કર્યા હતા. દરમિયાન આ કેસમાં ચાર્જશીટ થયા બાદ કેસ ચાલવા ઉપર આવ્યો છે, ત્યારે અગાઉ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ ધનજીભાઈ સાગઠીયા, ટીપી એન્જિનિયર ગૌતમ જોષી, જમીન માલિક અશોકસિંહ જગદીશસિંહ જાડેજાના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા બાદ બીજા જમીનમાં કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાએ પણપોતાના વકીલ મારફત સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.
જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆતો,દલીલો બાદ કિરીટસિંહના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા વિવિધ ચુકાદાઓ ધ્યાને લઇ સુપ્રીમ કોર્ટ દ્વારા બીજા જમીન માલિક કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાની જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે.