અગ્નિકાંડનો રિપોર્ટ લીક ?, અઢી લાખ પાનાનું ચાર્જશીટ હોવાનો જયમીન ઠાકરનો ઘટસ્ફોટ!
સરકારને પણ ખબર નથી તે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કઈ રીતે ખબર પડી? : મહેશ રાજપૂતે ઉઠાવ્યા સવાલ
રાજકોટમાં 27 લોકોને ભરખીજનાર ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં રાજ્ય સરકાર ભીંસમાં મુકાઈ ગઈ છે અને ચાર-ચાર સીટ આ અગ્નિકાંડની તપાસ કરી રહી છે. તેનો રિપોર્ટ હજુ સુધી રાજ્ય સરકાર કે, કોર્ટ સુધી પણ પહોંચ્યો નથી તે પહેલા રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે મોટો ઘટ્સ્ફોટ કરતા આજે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સીટ દ્વારા અઢીલાખ પાનાનું ચાર્જસીટ રજૂ કરવામાં આવશે અને આ મામલે કોઈપણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં.
સૌથી આશ્ર્ચર્યની વાત તો એ છે કે, સીટનો રિપોર્ટ શું છે અને કેટલા પાનાની ચાર્જશીટ મુકવામાં આવનાર છે તેની હજુ સુધી કોઈને પણ ખબર નથી તેવા સમયે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનને અઢીલાખ પાનાનું ચાર્જશીટ રજૂ કરવામાં આવનાર છે. તે અંગેની જાણ કઈ રીતે થઈ ગઈ? આ અગ્નિકાંડમાં ચાલી રહેલી અલગ અલગ તપાસો પહેલેથી જ શંકાસ્પદ ગણાવાઈ છે. અને અત્યાર સુધીમાં 14 જેટલા અધિકારીઓ સસ્પેન્ડ થઈ ચુક્યા છે. પરંતુ હજુ સુધી એક પણ પદાધિકારી સુધી કાયદાનો પંજો પહોંચી શક્યો નથી. તેવા સમયે જયમીન ઠાકરે કરેલા ઘટસ્ફોટથી સીટનો રિપોર્ટ લીક થઈ ગયાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.
જયમીન ઠાકરે આજે મીડિયા સમક્ષ છાતી ઠોકીને જણાવ્યું હતું કે, તા. 22 મીએ જ્યારે પણ ચાર્જશીટ આવશે ત્યારે અઢી લાખ પાનાનું … 2,50,000 પાનાનું ચાર્જશીટ કોર્ટની અંદર સીટ અને એસીબી દ્વારા રજૂ કરવામાં આવશે. કોઈ અધિકારીને જે આમા સંડોવાયેલા હશે તેને છોડવામાં નહીં. મોટા અધિકારીની સંડોવણી અંગે પૂછતા તેણે જણાવ્યું હતું કે, રાજકોટના બે અધિકારીઓ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર, તત્કાલીન પોલીસ કમિશનર, ડીસીપી સહિત જે પણ અધિકારીઓ છે તેમને સાઈડમાં બેસાડી દેવામાં આવ્યા છે.
જયમીન ઠાકરના આ દાવા સામે કોંગ્રેસના મહેશ રાજપૂતે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, જયમીન ઠાકરે જે રીતે અગ્નિકાંડની ઘટનામાં ચાર્જશીટ રજૂ કરવાની તારીખ આપી દીધી તે જોતા અમે પહેલાથી જ કહેતા હતા તેમ પદાધિકારીઓને બચાવવા માટે ભાજપના મિત્રો સીટ સાથે રેગ્યુલર સંપર્કમાં છે. અને મીટીંગો કરે છે તેમજ પદાધિકારીઓને કઈ રીતે બચાવવા તે અંગે ચર્ચા કરે છે. જયમીન ઠાકરની આ કબુલાતથી આ વાત સાબિત થઈ જાય છે.