અગ્નિકાંડ: ટીપીઓ સાગઠિયા સહિત 6 આરોપીની જામીન અરજી ઉપર આજે હાઈકોર્ટમાં સંભવત સુનાવણી
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા બે ભાઈ અને મહાપાલીકાના સસ્પેન્ડ ચાર અધિકારીના સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરતા જેની સામે હાઇકોર્ટમાં કરેલી રેગ્યુલર જામીન અરજીની સુનાવણી આજે બપોર બાદ હાથ ધરાય તેવી શક્યતા છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઈ ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા અધિકારીઓ સહિત 15 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. બાદ સેશન્સ અદાલતમાં અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, ફાયર ઓફિસર ઇલેશ ખેર, ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા, આસી. ટાઉન પ્લાનિંગ ઓફિસર રાજેશ મકવાણા, આસી. ટાઉન પ્લાનિંગ ઓફિસર જયદિપ ચૌધરીએ જામીન અરજી નામંજૂર થતાં ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી.
જેમાં આરોપીના વકીલે મુદત માંગતા મુદત પડી હતી જેની સુનાવણી આજે બપોર બાદ હાથ ધરાય તેવી શક્યતા છે. ગુજરાત હાઇકોર્ટમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તરીકે વિરાટ પોપટ , ભોગબનનાર વતી વકિલ તરીકે નરેન્દ્રસિંહ જાડેજા , ભાવેશ હજારે અને રાજકોટની કોર્ટમાં સ્પેશિયલ પીપી તુષાર ગોકાણી, એડિશનલ સ્પે. પીપી નિતેશ કથીરીયા, બાર એસોસિયેશન ટીમ વતી સુરેશ ફળદુ રોકાયેલા છે.