વલસાડ ફાસ્ટ પેસેન્જર ટ્રેનના એન્જિનમાં આગ, જાનહાની ટળી
મુંબઇથી ગુજરાત આવતી ટ્રેનમાં બનેલો બનાવ: અમદાવાદ સુધીના ટ્રેન વ્યવહારને અસર
મુંબઇ સેન્ટ્રલથી વલસાડ આવતી વલસાડ ફાસ્ટ પેસેન્જર ટ્રેન નં. 59023ના એન્જિનમાં આજે સાંજે આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના સાંજે 7:56 વાગ્યે બની હતી. સદનસીબે ટ્રેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે અને કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આ ઘટનાને પગલે મુંબઇથી અમદાવાદ વચ્ચેનો 1થી 3 કલાક માટે ટ્રેન વ્યહર ખોરવાયો છે.
આગની ઘટનાની જાણ વલસાડ રેલવે વિભાગની ટીમને થતાં વલસાડ રેલવે સ્ટેશન ખાતે હેલ્પ લાઈન ડેસ્ક બનાવી યાત્રીઓને જરૂૂરી માહિતી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત સુરત રેલવે સ્ટેશન ખાતે પણ હેલ્પ લાઈન ડેસ્ક બનાવવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, ટ્રેન કેલવે રોડ સ્ટેશન નજીક પહોંચી ત્યારે અચાનક એન્જિનમાં આગની જ્વાળાઓ અને ધુમાડો જોવા મળ્યો હતો. તાત્કાલિક સુરક્ષાના ભાગરૂૂપે ઓવરહેડ ઈલેક્ટ્રિક (OHE) સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને પરિસ્થિતિને સામાન્ય બનાવવાની કામગીરી ચાલી રહી છે. હાલમાં, ટ્રેન કેલવે રોડ સ્ટેશનના પ્લેટફોર્મ પર ઊભી છે. આ ઘટનાને કારણે મુંબઈથી સુરત તરફ જતી કેટલીક ડાઉન ટ્રેનોના સમયપત્રક પર અસર પડી છે અને તે મોડી ચાલી રહી છે. રેલવે દ્વારા મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કામ કરી રહ્યા છે. આ ઘટનાને કારણે સુરત તરફ જતી કેટલીક ડાઉન ટ્રેનો મોડી પડી શકે છે. આ ઘટના કયા કારણોસર બની તે જાણવા માટે તપાસ શરૂૂ કરવામાં આવી છે. રેલવેના અધિકારીઓએ ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ ટ્રેન સેવાઓ પૂર્વવત કરી દેવામાં આવશે.
17 દિવસ પહેલાં પણ ટ્રેનોના પૈડા થંભી જવાની ઘટના બની હતી
ગત 31 ઓગસ્ટના રોજ મુંબઈથી સુરત તરફ જતી ટ્રેનોના પૈડા રાતે થંભી ગયા હતા. કારણ કે, બોઇસર અને વનગાંવ વચ્ચે ઓવરહેડ ઉપકરણ (OHE)માં ટેકનિકલ ખામી થતાં ડાઉન લાઇન પર ટ્રાફિક પ્રભાવિત થયો હતો. આ ખામીના કારણે 10 ટ્રેનો અટકાવી દેવી પડી હતી અને મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડયો હતો.