ધુવાવ નજીક ક્રિષ્ના ગૌશાળામાં આગ: 350 મણ કડબ ખાખ
ગૌમાતાના પેટ પર લાત મારનાર સામે પશુપાલકોમાં રોષ: અજાણયા શખ્સો સામે પોલીસે તપાસ શરૂ કરી
જામનગર નજીક ધુવાવ પાસે આવેલી ક્રિષ્ના ગૌશાળામાં રાખવામાં આવેલા 350 મણ કડબના જથ્થામાં પરમદીને રાત્રિના સમયે અકસ્માતે આગ લાગી હતી, અને ફાયર તંત્ર દોડતું થયું હતું.ગૌશાળા ના ટ્રસ્ટી મિલનભાઈ ભોગાયતા એ ફાયર શાખાને જાણ કરતાં ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.આ બનાવ અંગે પોલીસ તંત્રને પણ જાણ કરવામાં આવી હતી.
જેથી પંચકોષી એ. ડિવિઝનના પી.એસ.આઇ એમ. એન. શેખ બનાવના સ્થળે દોડી ગયા હતા, અને તપાસ શરૂૂ કરી હતી.ગૌશાળા ના સંચાલકો દ્વારા જણા વાયા અનુસાર રાત્રિના 12.00 વાગ્યે ગૌશાળાનો દરવાજો બંધ કરાયો હતો, પરંતુ રાત્રિના સમયે કોઈપણ રીતે દરવાજા ખુલ્લા પડેલા હતા, અને ઘાસનો જથ્થો સળગી ઊઠ્યો હતો. જેથી કોઈ આજ્ઞાત શખ્સોએ આગ ચાંપી દીધી હોય તેવો આક્ષેપ કરાયો હતો. જે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂૂ કરાઈ છે.
ગૌશાળામાં અગાઉ સીસીટીવી કેમેરા વગેરે હતા, પરંતુ થોડા સમય પહેલા ગૌશાળામાં પાણી ભરાવાના સમય ગાળા દરમિયાન તેના કેમેરાઓ બંધ થયા હતા. જેથી આજે ફરીથી નવા સીસીટીવી કેમેરા લગાવીને ચાલુ કરી દેવાયા છે. માત્ર બે દિવસ પહેલા જ 350 મણ ઘાસનો જથ્થો મંગાવાયો હતો, અને રખાયો હતો. જે સળગી ઉઠ્યો છે. જો કે થોડે દૂર રખાયેલો બીજો કડબનો ભૂકકો કે જે બચી ગયો હોવાથી તેને કોઈ નુકસાની થઈ નથી, અને તેના આધારે ગૌશાળામાં રહેલી 90 જેટલી ગાયોનો નિભાવ થઈ રહ્યો છે.