સુરેન્દ્રનગર ડોમિનોઝ પિઝા સહિત 10 દુકાનમાં લાગી આગ
વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગના કારણે ભારે નુકસાન: ફાયર બ્રિગેડ સ્ટાફે આગ કાબૂમાં લીધી
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ રોડ ઉપર દુધની ડેરી નજીક ઉપાસના સર્કલ પાસે આવેલ મલ્ટીપ્લસ કોમ્પલેક્ષમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નિકળી હતી. શોર્ટસર્કિઠના કારણે ડોમીનોઝ પીઝામાં લાગેલી આગે પલવારમાં જ ઉગ્રસ્વરૂપ ધારણ કરી લેતા આજુબાજુની 10 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી. ફાયર બ્રિગેડ સ્ટાફે સતત ચાર કલાક સુધી જહેમત ઉઠાવી આગને કાબુમાં લીધી હતી.
સુરેન્દ્રનગરના વઢવાણ રોડ ઉપર ઉપાસના સર્કલ પાસે આવેલ મલ્ટીપ્લસ કોમ્પલેક્ષમાં આવેલ ડોમીનોઝ પીઝામાં વહેલી સવારે ચાર વાગ્યે શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી અને આગે એનવાય થીએટર સહિતની દુકાનો અને ઉપરના માળે આવેલી દુકાનોમાં પ્રસરી ગઈ હતી. આ બનાવની જાણ થતાં ફાયરબ્રીગેડ સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઈ ચાર કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જ્યારે આગના કારણે લાખો રૂપિયાનું નુક્શાન થયાનું જાણવા મળ્યું છે.
વહેલી સવારે લાગેલી આગના કારણે કોમ્પલેક્ષમાં કોઈવ્યક્તિની અવર જવર નહીં હોવાના કારણે મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. આ બનાવની બીડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલનો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.