બગસરા એસ.બી.આઇ. બ્રાન્ચમાં રાત્રે લાગી આગ
બગસરા બસ સ્ટેન્ડ નજીક આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં બુધવારે મોડી રાત્રે આગ લાગી હતી આજુબાજુના લોકોને ખ્યાલ આવતા પોલીસ તથા ફાયરને જાણ કરી હતી. બેંકની ફાયર સિસ્ટમ ફેલ રહેતા લાખોનું ફર્નિચર રાખ થઈ ગયું હતું.
મળેલ માહિતી મુજબ બગસરા બસ સ્ટેન્ડ નજીક આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બગસરા બ્રાન્ચમાં બુધવારે રાત્રે દોઢ વાગ્યાની આસપાસ સોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગના ધુમાડા બહાર નીકળતા આજુબાજુના લોકોને ખ્યાલ આવ્યો હતો જેને લીધે તેમણે પોલીસ તથા બગસરા ફાયરની ટીમને જાણ કરી હતી. સ્થળ પર હાજર રહેલ લોકોએ જણાવ્યું હતું કે આગ લાગવા સમયે કોઈ પણ પ્રકારના અલાર્મનો અવાજ સંભળાયો ન હતો જેને કારણે બેંકની ફાયર સિસ્ટમ આગ સમયે નિષ્ફળ ગઈ હતી
આ ઉપરાંત રાત્રિના સમયે બેંકમાં ધ્યાન રાખવા માટે કોઈ કર્મચારી પણ હાજર ન હતો આગની જાણ થતા તેણે આવી અંદર ઘૂસી જાતે આગ ઠરવાનો પણ પ્રયત્ન કર્યો હતો.
આગ ઠારવામાં બગસરા ફાયરની ટીમ પહોંચી ન વળતા અમરેલી ફાયર વિભાગનીની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી મહા મહેનતે આગ સવારના સમયે કાબૂમાં આવી હતી. જોકે એસબીઆઇના અધિકારીઓ મોડે સુધી બ્રાંચ ઉપર આવ્યા ન હતા. માત્ર સામાન્ય કર્મચારીઓને મોકલી સર્વે કરાવવાનો ઢોંગ કર્યો હતો. તેમજ કેટલી વસ્તુ નુકસાન થયું છે તે જાણવામાં લોકોને પણ કોઈ પ્રકારના વ્યવસ્થિત જવાબ આપવામાં ના આવતા જે લોકોના અગત્યના દસ્તાવેજ તેમજ ઝવેરાત બેંકમાં હતા તેમના શ્વાસ પણ અધર થઈ ગયા હતા. એકંદરે બેંકના કર્મચારીઓ લોકોને વિશ્વાસ અપાવવામાં નબળા પુરવાર થયા હતા.
આગને કારણે બેંકનું ફર્નિચર તેમજ છતનો ભાગ બળીને રાખ થઈ ગયો હતો. મોટાભાગના કોમ્પ્યુટર તેમજ બેંકની સેન્ટ્રલ એ.સી. સિસ્ટમ પણ બળીને રાખ થઈ ગઈ હતી. આમ અલારમ સિસ્ટમ ફેલ થતાં બેંકને મોટા પાયે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.