જામનગરમાં નવા ફ્લાય ઓવર પર પ્રથમ દિવસે અકસ્માત બાદ બીજા દિવસે આગ લાગી
જામનગર શહેરમાં નવો ફલાય ઓવર બંધાયો છે,તેના ઉદ્ઘાટન બાદ ગઈકાલે સવારે એક વાહન અકસ્માત સર્જાયો હતો, ત્યારબાદ આજે બીજા દિવસે આગ અકસ્માત થયો છે, અને બ્રિજની નીચેના પીલોરના ભાગમાં કેબલ સળગવાથી દોડધામ થઈ હતી. જામનગરના નવા બંધાયેલા ફલાય ઓવરની નીચે જુના રેલ્વે સ્ટેશન પાસેના એક પીલોર માં લગાવવામાં આવેલા ઓવર હેડ ઇલેક્ટ્રીક વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને વાયરિંગ સળગ્યું હતું. જેના ભડકા દેખાવાના કારણે ત્યાંથી પસાર થવાના વાહનચાલકોમાં દેકારો બોલી ગયો હતો, અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સૌપ્રથમ વિજ પુરવઠો બંધ કરાવ્યા બાદ ડીસીપી પાવડરનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી. આથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. ઇલેક્ટ્રિક વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગનું છમકલું થયું હતું, જો કે કોઈ વધુ નુકસાન કે જાનહાની થઈ નથી.