સોની બજારમાં ગેસ સિલિન્ડર ફાટતાં આગ ભભૂકી, એક કારીગરનું મોત
અન્ય એક ગંભીર રીતે દાઝયો, ત્રણનો બચાવ, ફાયરબ્રિગેડે રાતભર જહેમત ઉઠાવી કાબુ મેળવ્યો
બિલ્ડિંગની અગાસી ઉપર ગેરકાયદેસર બનાવેલ ડોમમાં સોની કામ કરતી વખતે બનેલો બનાવ
રાજકોટની સોની બઝારમાં દીવાનપરા વિસ્તારમાં શેરી નંબર 10માં આવેલા શ્રીહરી કોમ્પ્લેક્ષમાં મોડી રાતે ગેસનો બાટલો ફાટવાથી આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું હતું. કોમ્પ્લેક્ષમાં કામ કરી રહેલા પાંચ કારીગરો ફસાયા હતા જેમાં એકનું મોત થયું હતું જયારે અન્યને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. શ્રીહરી કોમ્પ્લેક્ષમાં ઉપર અગાસીમાં ગેરકાયદેસર બનાવેલ ડોમમાં સોના-ચાંદીના ઘરેણાંની બફિંગ અને પાલિસ કરવાની કામગીરી ચાલી રહી હતી.જ્યાં એલપીજી ગેસના ચાર બાટલા રાખવામાં આવ્યા હતા.જેમાં એક બાટલો ફાટતા અચાનક આગ લાગી હતી જેમાં એક બંગાળી કારીગરનું મોત થયું હતું.
શ્રીહરી કોમ્પ્લેક્ષમાં આગ લાગવાની જાણ થતા રાજકોટ કનકરોડ,બેડીપરા અને કાલાવડ રોડથી પાંચ જેટલી ફાયરફાયટરની ટીમે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ બુઝાવવા સાથે શ્રીહરી કોમ્પ્લેક્ષમાં ફસાયેલા કારીગરોને બચાવવા માટે રેસ્ક્યુ હાથ ધર્યું હતું.જોકે આ આગની ઘટનામાં રામનાથ પરામાં રહેતો બંગાળી કારીગર પલાશભાઈ પ્રઘુતભાઈ નીયોગી (ઉવ48)નું ઘટના સ્થળે જ મોત થયું હતું.
જયારે અન્ય કારીગર મૈસુદ અઈમલ મિત (ઉવ 29) દાઝી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા મોડી રાતે એસીપી એસીપી બી. જે. ચૌધરી તેમજ એ-ડીવીઝનના પી.આઈ બી.વી.બોરીસાગર સહિતનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ ઘટના અંગે એસીપી બી.જે.ચૌધરીએ જણાવ્યું કે, શ્રીહરી કોમ્પ્લેક્ષમાં 5માં મળે આગ લાગી હતી. એક બંગાળી કારીગરનું મોત થયું છે, જ્યારે એક ઇજાગ્રસ્ત થતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.
પાંચ ફાયર બ્રિગેડની ટીમે સતત ચાર કલાક સુધી રાતભર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં ચાંદી કામ માટે કારીગરો બાફિંગ કરતા હોય ત્યારે બફના મશીનમાં ઓવર હિટીંગના કારને શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી અને અગાસીમાં ચાર એલપીજી ગેસ સિલિન્ડર હોય જેમાં એક ગેસનો બાટલો ફાટવાથી આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું. જો કે, એફએસએલની મદદથી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવામાં આવશે. કોમ્પ્લેક્ષમાં અગાસી પર બનાવવામાં આવેલ શેડ કાયદેસર કે ગેરકાયદેસર તેની તપાસ કરવામાં આવશે.
ફાયર વિભાગ માથી મળતી માહિતી મુજબ, રાત્રે 1.18 વાગ્યે નાના મવા સર્કલ કંટ્રોલરૂૂમમાંથી દિવાનપરા શેરી નં.10માં આવેલા શ્રીહરી નામના કોમ્પલેક્ષમાં આગ લાગવાના સમાચાર મળ્યાં હતાં. જેથી તાત્કાલિક બેડીપરા,કાલાવડ રોડ અને કનકરોડ ફાયર સ્ટેશનથી પાંચ ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. શ્રી હરી કોમ્પલેક્ષના પાંચમાં માળની ઉપર બિલ્ડિંગની અગાસીમાં છ માળે અગાસીમાં પતરાનો ડોમ બનાવેલો હતો તેમાં લાગી હતી.
આ ઘટના જ્યાં બની તે જગ્યાની માલિકી સોની વેપારી દિવ્યેશ પાટડીયાની હોવાનું જાણવા મળ્યું છે. દિવ્યેશ પાટડીયાને ત્યાં કામ કરતા કારીગરો ચાંદીના ઘરેણા બફિંગ કરતા હતા તે સમયે બફ મશીનમાં આગ લાગી હોવાનું દિવ્યેશ પાટડીયાએ જણાવ્યું. હતું. આ આગના કારણે અગાસી ઉપર બનાવવામાં આવેલ ડોમ સંપૂર્ણ સળગી ગયો છે. તેમાં એલપીજી ગેસના 4 સિલિન્ડર રાખેલા હતાં, તેમાંથી એક સિલિન્ડ બ્લાસ્ટ થયું હતુ. જોકે અન્ય ત્રણ સીલીન્ડર ફાયર બ્રિગેડની ટીમે સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા હોય જો આ અન્ય ત્રણ સીલીન્ડર બ્લાસ્ટ થયા હોત તો મોટી દુર્ધટના બની હોત. આ ઘટનાની જાણ થતા રાજકોટ ભાજપ-કોંગ્રેસના નેતાઓ પણ સ્થળે દોડી આવ્યાં આ આગ લાગવાની ઘટના બની એ સમયે પાચ કારીગરો અંદર કામ કરી રહ્યાં હતાં.
જે પૈકી ચારને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા જયારે પલાશ નીયોગી નામના કારીગરનું ગંભીર રીતે દાઝી જવાથી મોત થયું હતું. પલાશ અગાઉ અઢી વર્ષ રાજકોટમાં કામ કરી ચુક્યો છે અને અઢી વર્ષ પૂર્વે તે બંગાળ ચાલ્યો ગયો હતો. અને ત્રણ દિવસ પૂર્વે જ તે ફરી રોજી રોટી કમાવવા રાજકોટ આવ્યો અને રહેવા માટે રૂૂમ શોધતો હતો હાલ તે શ્રી હરી કોમ્પલેક્ષની અગાસીમાં જ રહેતો હોવાનું જાણવા મળ્યું છે.
સોનીબજાર જેવા ગીચ વિસ્તારમાં મોડી રાત્રે આગ લાગી હોય તેને લઈને ભારે ચર્ચા જાગી છે. હાલ તહેવારો ઉપર જ્યારે બજારોમાં જ્યારે ભીડ જોવા મળે છે ત્યારે દિવસ દરમિયાન જો આવી ગંભીર ઘટના બની હોત તો ભરચક અને ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં મોટી જાનહાની થઈ શકી હોત જો કે, રાત્રે મોટાભાગે સોની બજારની દુકાનો બંધ હોય માત્ર સોની કારીગરો જ કામ કરતા હોય જેને લઈને આ ઘટનામાં વિકરાળ આગ લાગી હોવા છતાં કોઈ ગંભીર જાનહાની થઈ નથી.
જે કોમ્પલેક્સમાં આગ લાગી તે કોમ્પલેક્સની આસપાસ અન્ય બિલ્ડીંગમાં આગ ફેલાય તે પૂર્વે જ ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી વહેલી સવાર સુધીમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનાને લઈને પોલીસે પણ તપાસ શરૂ કરી છે.
સોની બજારની સાંકડી શેરીમાં પહોંચવા ફાયર બ્રિગેડની ટીમને મુશ્કેલી પડી
રાજકોટની સોની બજારમાં દીવાનપરા વિસ્તારમાં શેરી નંબર 10માં આવેલા શ્રીહરી કોમ્પ્લેક્ષમાં મોડી રાતે ગેસનો બાટલો ફાટવાથી આગ ભભૂકી ઉઠી હોય આગ બુજાવવા માટે બેડીપરા ફાયર સ્ટેશનથી બે ફાયર ફાયટર, કાલાવડ રોડ ફાયર સ્ટેશનથી એક ફાયર ફાયટરને મળીને કુલ 5 ગાડીની મદદ લીધી હતી જોકે સોની બઝારની શેરી સાંકડી હોવાથી ફાયર વિભાગને મુશ્કેલી પડી હતી. સોની બજારની શેરીઓ તમામ સાંકડી છે માટે ફાયર ફાઇટરને અહીંયા પહોંચવું મુશ્કેલ સાબિત થાય છે. આમ છતાં સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ હતી.