સાવરકુંડલામાં ગેસ સિલિન્ડર લિકેજ થતાં લાગેલી આગ, બે લોકો દાઝી ગયા
સાવરકુંડલા શહેરના કેવડા પરા વિસ્તાર નજીક આવેલા દેવીપૂજક વાસમાં આજે એક દુ:ખદ ઘટના બની હતી. અહીં રહેતા ગરીબ પરિવાર ના કિશોરભાઈ રાજુભાઈ જીપલોટના ઘરે ઇન્ડિયન ગેસનો બાટલો ચાલુ કરતી વખતે અચાનક લીકેજ થતા ભયંકર આગ લાગી ગઈ હતી. આ આગ એટલી વિકરાળ હતી કે ગણતરીની પળોમાં જ ઘર તેમજ ઘરમાં રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગની જવાળાઓ આસપાસના વિસ્તારમાં પણ ફેલાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
આ દુર્ઘટનામાં કિશોરભાઈના પરિવારના બે સભ્યોને હાથ અને પગના ભાગે સામાન્ય દાજીયા હતા. તેઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી આ ઘટનાની જાણ થતા જ વોર્ડ નંબર 9 ના કાઉન્સિલર શ્રી રમેશભાઈ ચૌહાણ અને અનિલભાઈ ગોહિલે તાત્કાલિક સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીને જાણ કરી હતી. ત્વરિત કાર્યવાહી કરતા નગરપાલિકાના ફાયર બ્રિગેડના કર્મચારીઓ શ્રી જયરાજભાઈ ખુમાણ, શ્રી કૌશિકભાઈ તેમજ શ્રી અજીતભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડની સમયસરની કાર્યવાહીને કારણે મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ગેસ સિલિન્ડરની સલામતીને લઈને અનેક સવાલો ઉભા થયા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ આગના કારણે શ્રી કિશોરભાઈના પરિવારને ભારે આર્થિક નુકસાન થયું છે.