મવડીમાં રહેણાક મકાનમાં આગ ભભૂકી
શહેરના મવડી વિસ્તારમાં આવેલા કૃષ્ંનગરમાં રહેણાંક મકાનમાં આગ ભભૂકી ઉઠતાં ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગ્યાની શંકા સેવાઈ રહી છે.
જાણવા મળતી વિગત મુજબ મવડી વિસ્તારમાં કૃષ્ણનગર મેઈન રોડ પર સ્વામીનારાયણ ચોકથી આગળ ફરસાણવાળી બંધ શેરીમાં રહેણાંક મકાનમાં આજે સવારે આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં મવડી ફાયર બ્રિગેડનો સ્ટાફ મિની ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા ચાલુ વીજલાઈન બંધ કરી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતાં. અડધા કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
ઘટના સ્થળે મકાન માલીક શૈલેષભાઈ ચાવડીયા હાજર હતાં. તેમના જણાવ્યા મુજબ આગના લીધે ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. જો કે સદનશીબે આગમાં કોઈ જાનહાની થઈ ન હતી. ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગ્યાની શંકા સેવાઈ રહી છે.