ખંભાળિયા નજીક ખાનગી કંપનીમાં આગનું છમકલું: ભારે દોડધામ
ફાયર વિભાગની પાંચ ગાડીઓએ પાણીનો અવિર મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યું
ખંભાળિયા - જામનગર માર્ગ પર આવેલી એસ્સાર કંપનીમાં શુક્રવારે એકાએક આગ ભભુકી ઉઠી હતી. આ આગના કારણે થોડો સમય દોડધામ જેવો માહોલ પ્રસરી ગયો હતો.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા - જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 15 કિલોમીટર દૂર આવેલી એસ્સાર ઓઇલ કંપનીમાં સ્થિત કંપનીના 8 નંબરના જંકશનના ક્ધવેયર બેલ્ટ પર એકાએક આગ લાગી હતી. આ આગે થોડો સમયમાં વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું હતું અને કેટલીક મશીનરી આગની ઝપેટમાં આવી ગઈ હતી. આ આગના ધુમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.
આ ઘટનાની જાણ અહીંના ફાયર વિભાગને કરવામાં આવતા જિલ્લા ફાયર અધિકારી મીતરાજસિંહ પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ ટીમના જવાનો તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા અને ફાયરની તથા ખાનગી કંપનીની મળીને પાંચ જેટલી ગાડીઓ મારફતે પાણીનો અવિરત મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગના પગલે ક્ધવેયર બેલ્ટમાં નોંધપાત્ર નુકસાન થયાનું કહેવાય છે. જ્યારે આગ લાગવાનું ચોક્કસ કારણ જાહેર થયું નથી.
સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની ન થતા કંપની સુત્રો તથા કર્મચારીઓમાં રાહતની લાગણી જોવા મળી હતી. જો કે થોડો સમય ભારે દોડધામ સાથે ભયનો માહોલ પ્રસરી ગયો હતો.
