ખંભાળિયામાં પેટ્રોલ પંપના જનરેટર સેટમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ
સદભાગ્યે મોટી જાનહાની ટળી, ફાયર વિભાગે આગ બુઝાવી
ખંભાળિયાના ધમધમતા વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપમાં શનિવારે ઢળતી સાંજે એકાએક આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી જવા પામી હતી. પેટ્રોલ પંપના કર્મચારીઓ તથા ફાયર વિભાગએ લાંબી જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અને મોટી જાનહાની થતા અટકી હતી.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત એવા નગર ગેઈટ વિસ્તારમાં આવેલા જી.સી. એન્ડ કંપની નામના પેટ્રોલ પંપમાં પાછળના ભાગે આવેલા જનરેટર સેટના રૂૂમમાં શનિવારે સાંજે આશરે સવા સાત વાગ્યાના સુમારે એકાએક આગ લાગી હતી. આ આગ લાગતા પેટ્રોલ પંપના સ્ટાફે ફાયર વિભાગને જાણ કરી હતી. આટલું જ નહીં, પેટ્રોલ પંપમાં રહેલા આગ બુઝાવવાના વિવિધ સાધનોની મદદથી તેઓએ આગ બુઝાવવાની કાર્યવાહી પણ કરી હતી.
આ આગ અંગેનો કોલ મળતા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સુચના મુજબ ફાયર સ્ટાફના જવાનો ફાઈટર સાથે આ પેટ્રોલ પંપ ખાતે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ કાબુમાં આવી જતા ઉપસ્થિત સૌ કોઈ રાહતનો દમ ખેંચ્યો હતો.
પેટ્રોલ - ડીઝલના નોઝલથી આશરે 25 થી 30 ફૂટ જેટલા અંતરે આવેલા જનરેટર સેટના રૂૂમમાં આગ લાગતા થોડો સમય ભયનો માહોલ પ્રસરી ગયો હતો. જો કે સમયસર આગ પર કાબુ મેળવી લેવાતા સદભાગ્યે મોટી જાનહાની તથા નુકસાની થતા અટકી હતી.
આ વિસ્તારમાં કોઈ કારણોસર લાંબો સમય વીજ પુરવઠો બંધ હોવાથી જનરેટર મશીનનો ઉપયોગ કરવામાં આવતો હતો. જે ગરમ થઇ જતા તેમાં સ્પાર્ક થતા આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આગનો આ બનાવ બનતા પોલીસ સ્ટાફે પણ દોડી જઈને જરૂૂરી વ્યવસ્થા કરાવી હતી અને થોડો સમય પેટ્રોલ-ડીઝલ વિતરણની કામગીરી બંધ રાખવામાં આવી હતી. અને લાંબો સમય વીજપુરવઠો પણ ખોરવાઈ ગયો હતો.