કેશોદના શેરગઢમાં પાંચથી વધુ ઝૂંપડામાં આગ ભભૂકી
ગરીબ પરિવાર થયા બેઘર, એક લાખથી વધુનું નુકસાન : પરિવારજનોમાં શોકનો માહોલ
દિવાળીના પર્વ દરમિયાન જ્યાં સર્વત્ર રોશની અને આનંદનો માહોલ છે, ત્યાં કેશોદ તાલુકાના શેરગઢ ગામમાં કાળી ચૌદશની રાત્રે દેવીપૂજક સમાજના ગરીબ પરિવારો પર આભ તૂટી પડ્યું હતું. અહીં દેવીપૂજક સમાજના પાંચથી વધુ ઝૂંપડામાં ભીષણ આગ લાગવાની ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.રાત્રિના સમયે ઝૂંપડાઓમાં આગ લાગ્યાની જાણ થતાં જ ગામ લોકો એકઠા થઈ ગયા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા. આ અંગે તાત્કાલિક પોલીસ વિભાગ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતા જોતાં પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરો દ્વારા કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઝૂંપડાઓમાં રાખેલો મોટા ભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.આ સમગ્ર મામલે ભોગ બનનાર પરિવારોના એક સભ્ય, શેરગઢ ગામના રવજીભાઈ પરમારે વાત કરતાં જણાવ્યું હતું કે, અમારો પરિવાર રાત્રિના સમયે ઝૂંપડામાં હાજર હતો, ત્યારે અચાનક જ આગ લાગવાની ઘટના બની હતી. ઝૂંપડાની આસપાસ બાળકો ફટાકડા ફોડતા હતા.
જેના કારણે આ આગ લાગી હોવાની શક્યતા છે. આ આગની ઘટનાને કારણે ઝૂંપડામાં રાખેલી ઘરવખરી, ટીવી, કબાટ તેમજ અન્ય જીવન જરૂૂરી તમામ વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી. આગના કારણે દેવીપૂજક સમાજના આ ગરીબ પરિવારોને અંદાજે ₹1 લાખથી વધુનું મોટું નુકસાન થયું છે અને તેઓ બેઘર બન્યા છે. દિવાળીના તહેવારની રાત્રે જ ઘરવખરી ગુમાવતાં પરિવારજનોમાં શોક અને નિરાશાનો માહોલ છવાયો છે.
જોકેે, આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આગની આ ઘટના અંગે ધોરણસરની કાર્યવાહી શરૂૂ કરી દીધી છે.