જૂનાગઢમાં ગેસ લાઇન તૂટતા આગ; 8 દાઝયા, 3ના મોત
ઝાંઝરડા રોડ પર કોઇ જાતની મંજૂરી વગર જેસીબીથી ખોદકામ દરમિયાન ગેસની લાઇન તૂટતા બની દુર્ઘટના
જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર આગ લાગવાની ગંભીર દુર્ધટના સામે આવી હતી. ઝાંઝરડા ચોકડી પાસે કોઇપણ જાતની મંજૂરી વગર ખોદકામ ચાલતુ હોય દરમિયાન ગેસની લાઇન તુટી જતા આગ ભભૂકી ઉઠી હતી. જેમાં માતા-પુત્રી સહિત 3 લોકોના મોત નિપજયા હતા. જયારે પાંચ જેટલા લોકો ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આગ નજીકમાં આવેલી દુકાનો અને રેકડીઓમાં પણ પ્રસરી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર કોઇ પણ જાતની અધિકૃત મંજૂરી વીના જેસીબી વડે ખોદકામ કરવામાં આવી રહયું હતુ. ત્યારે જેસીબીથી રોડની અંડરગાઉન્ડ નાખવામાં આવેલી ગેસની પાઇપ લાઇન તુટી જતા વિસ્ફોટ સાથે ભયાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં માતા પુત્રી સહિત ત્રણ લોકોના મોત નીપજ્ય હતા. જયારે પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.
ગેસ લીક થવાના કારણે અચાનક આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું. ગેસની લાઈન તૂટવાની ઘટના નજીકમાં આવેલી ગાંઠિયાની લારી પાસે બની હતી, જેના કારણે આગે તુરંત જ લારીને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. જોતજોતામાં આગ આસપાસના સાતથી આઠ વાહનો અને આઠ જેટલી દુકાનો સુધી પણ પ્રસરી ગઈ હતી, જેના કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સ સહિત તંત્રના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબુ મેળવવાના સઘન પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ ગેસ લીકેજ ચાલુ હોવાના કારણે કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે.
આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ થઈ ગઈ છે, જેમાં રૂૂપિબેન શૈલેષભાઈ સોલંકી (ઉંમર 40 વર્ષ), તેની પુત્રી ભક્તિબેન શૈલેષભાઈ સોલંકી (ઉંમર 4 વર્ષ) અને હરેશ રાબડીયા (ઉંમર 50 વર્ષ)નો સમાવેશ થાય છે. જયારે પાંચ જેટલા લોકો ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પીજીવીસીએલને જાણ કર્યા વગર ખાદો ખોદાતો હતો પીજીવીસીએલના લાઇનમેન રાજેશ પુરોહિતે જણાવ્યું હતું કે, આ જગ્યાએ પીજીવીસીએલને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર જેસીબી મારફતે અંડરગ્રાઉન્ડ ખાડો ખોદવામાં આવી રહ્યો હતો. ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનને નુકસાન થતાં તરત જ સ્પાર્ક થયો હતો અને ત્યારબાદ જ ભયંકર આગ લાગી હતી.