ધ્રોલ નંદનવન સોસાયટીના મકાનમાં લાગી આગ: જાનહાનિ ટળી
રહેણાક મકાનમાં આગ લાગતા અફરાતફરી: ફર્નિચર સહિતની વસ્તુ બળીને ખાખ
ધ્રોલ શહેરની નંદનવન સોસાયટીમાં ગઈ કાલ રાત્રિના આશરે 8 વાગ્યાના સમયે રહેણાક મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. મળતી વિગતો મુજબ અશરફભાઈ ઈકબાલભાઈ નગરિયાના મકાનમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા તાત્કાલિક ધ્રોલ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં મકાનમાં રહેલ એસી, ફર્નિચર અને ઘરગથ્થુ સામાન બળીને ખાખ થઈ ગયો છે.
સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ફાયર સેફટીના સાધનો વિના ધમધમી રહ્યા છે બિલ્ડિંગો
ધ્રોલ શહેરમાં ફાયર સેફટીના નિયમો જાણે કાગળ પૂરતા જ સીમિત રહ્યા હોય લાગી રહ્યુ છે. ધ્રોલમાં મોટા પાયે બિલ્ડિંગો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ અગ્નિસુરક્ષા સાધનો વિના જ ધમધમી રહ્યા છે. નાગરિકોની સુરક્ષાની સાથે ખુલ્લેઆમ રમત ચાલી રહી છે અને તંત્ર જાણે કોઈ મોટી જાનહાનિ થાય ત્યાર બાદ જ જાગશે તેવી સ્થિતિ લાગી રહી છે. તાજેતરમાં નંદનવન સોસાયટીમાં લાગેલી આગની ઘટના એ સ્પષ્ટ સંકેત છે કે ફાયર વિભાગ અને તંત્રની બેદરકારી કેટલી ભારે પડી શકે છે. ફાયર વિભાગ જાણે ગાઢ નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે. પ્રશ્ન એ છે કે આવનારા દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? નિયમોની અવગણના, બિલ્ડિંગોને પરમિશન આપતી વખતે અગ્નિસુરક્ષા તપાસ ન થવી અને જરૂૂરી સાધનો વિના જ બિલ્ડિંગોને મંજૂરી મળી જવી આ બધું સીધું તંત્રની બેદરકારી તરફ આંગળી ઉઠાવે છે. હકીકતમાં, ફાયર સેફટીના નિયમો ધ્રોલ શહેરમાં લાગુ જ ન પડતા હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે અનેક મોટી ઈમારતો ફાયર સેફ્ટીના સાધનો વિના જ ધમધમતી જોવા મળી રહી છે.